જામનગર : શહેરમાં રાત્રે બે વાગ્યાથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા દસ કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે શહેરમાં ઠેર-ઠેરની જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. સમર્પણ સર્કલની બાજુમાં સત્યમ કોલોની પાસેના અન્ડર બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ઉપરાંત જામનગરના દરેડમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.
અન્ડરબ્રિજ બન્યું તળાવ : સત્યમ કોલોની પાસે આવેલા અન્ડરબ્રિજમાંથી રોજબરોજ અનેક વાહનચાલકો પસાર થતા હોય છે. ઉપરાંત રાહદારીઓ પણ અહીંથી પસાર થતા હોય છે. અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને જનજીવન પ્રભાવિત થયું છે. દર વર્ષે સત્યમ કોલોની નજીકના અન્ડર બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. ત્યારે આ વર્ષે પણ ઘટનાનું પુનરાવર્તન થયું છે.
બાળક ડૂબ્યો : શહેરમાં એક અકસ્માતની ઘટના બની છે. ગુલાબનગર પાસે આવેલી કેનાલમાં એક બાળક ડૂબ્યો હોવાની જાણકારી મળી છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. જોકે, જામનગર શહેરમાં અનેક જગ્યાએ મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. તો રણજીત સાગરમાંથી આવતી કેનાલમાં ભારે પાણી ભરાવાના કારણે અનેક જગ્યાએ પાણી શહેરમાં ઘૂસ્યા છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીમાં ક્યાંક ને ક્યાંક નબળાઈ જોવા મળી રહી છે.
નાગમતી નદી ગાંડીતુર : ભારે વરસાદના પગલે જામનગર જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની છે. ઉલ્લેખનીય છે કે, ખોડીયાર માતાજીનું મંદિર નાગમતી નદીની વચ્ચોવચ આવેલ છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નાગમતી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ હોય છે. જેના કારણે નદીના નીર ખોડીયાર માતાજીના મંદિર ઉપરથી પસાર થતા હોય છે. દર વર્ષે ભારે વરસાદ પડવાના કારણે વરસાદી પાણી મંદિર પરથી પસાર થતા હોવાની ઘટના બને છે. આ વર્ષે પણ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે.
દરેડનું ખોડીયાર માતાજી મંદિર : દરેડમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરની ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ત્યારે આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નાગમતી નદીની વચ્ચે વિરાજમાન ખોડીયાર માતાજી પ્રત્યે ભક્તોને અપાર શ્રદ્ધા છે. ખાસ કરીને રજા અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નાગમતી નદી ગાંડીતૂર બની છે. સ્થાનિકો માની રહ્યા છે કે, દરવર્ષે માતાજીનો જળ અભિષેક કરવા માટે નાગમતી નદીમાં ભારે પુર આવે છે.