જામનગર : જામનગરના મહાલક્ષ્મી ચોકમાં વૈદ્ય નાગજી દેવજી પેઢીમાં 30 વર્ષના રાજ અજીતભાઇ વલેરાને દુકાનમાં જ કાર્ડીયાક એરેસ્ટ આવ્યાં બાદ મોત થયું હતું. શનિવારે પુત્રની સ્મશાનયાત્રા નીકળ્યા બાદ થોડીવારમાં માતા ધીરજબેનનું પણ હૃદયરોગથી મૃત્યુ થતાં પરિવારના શોકનો પાર રહ્યો ન હતો. પુત્રની સ્મશાનયાત્રા નીકળી એવામાં થોડીવારમાં જ હું તારી પાસે આવું છું, કહી પુત્રની સાથે માતાએ પણ અનંતની વાટ પકડી લીધી હતી.
બપોરે વૈદ્ય યુવકનું અચાનક મોત : કુદરત ક્યારેક ક્યારેક કુટુંબ ઉપર એવા કારમા ઘા ઝીકે છે કે તેની કળ વળતા વર્ષો વીતી જાય છે. જામનગરમાં મહાલક્ષ્મીના ચોકમાં શનિવારે બપોરે 30 વર્ષના વૈદ્ય રાજ અજીતભાઇ વલેરા બેઠા હતાં અને એકાએક તેમને કાર્ડીયાક એરેસ્ટ આવતાં તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતાં. પરંતુ કુદરતે કંઇક અલગ વિચાર્યું હશે અને ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
પુત્રની ટાઢી ઠરે એ પહેલાં માતાનું મૃત્યુ : આ આઘાતની કળ વળી ન હતી અને શોકાકુલ માતાનું હૃદય પણ બેસી ગયું હતું. પુત્રના મોત પર માતાએ કલ્પાંત કર્યું હતું, તે કોઇથી જોઇ શકાતું ન હતું. રાત્રે 9 વાગ્યે પુત્રની સ્મશાનયાત્રા નીકળી, પરંતુ તેના બે કલાક પહેલા માતાની પણ તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતાં, ત્યાં ડોકટરોએ સઘન સારવાર આપી હતી, પરંતુ હાર્ટએટેકનો જોરદાર હુમલો 65 વર્ષની માતા ધીરજબેન અજીતભાઇ વલેરાને પણ ડોકટરોએ સઘન સારવાર આપી પરંતુ આખરે કુદરત પાસ તેની કારી ન ફાવી અને માતાનું પણ મોત થયું. આમ પુત્રની ચિતા ઠરે, તે પહેલા જ માતાએ પણ અનંતની વાટ પકડી લીધી હતી.
રાજને કોરોનાકાળમાં કોરોના પણ થયો ન હતો. પોતે વૈદ્ય હોઇ ઉકાળાનું સતત સેવન કર્યું હતું અને વેકસીન પણ લીધી ન હતી. માસીએ એકાએક કહ્યું હતું કે, મારી પણ વિદાય નિશ્ચિત છે અને અમારા બેની વિધિ તારે જ કરવાની છે. આવું બોલ્યાં ત્યારે તેમને આવું ન કહેવા સાંત્વના આપી હતી. પરંતુ એ શબ્દો જે કહ્યા તેવું જ થયું અને થોડીવારમાં ધીરજબેનનું પણ મોત થયું..જય છાંટબાર (ધીરજબેનનો ભાણીયો)
યુવક દુકાનમાં જ હાર્ટએટેકનો ભોગ બન્યો : આ કરૂણ બનાવની વિગત એવી છે કે શહેરમાં મહાલક્ષ્મી ચોકમાં છેલ્લી ત્રણ પેઢીથી વૈદ્યનો ધંધો ધરાવતા વૈદ્ય નાગજી દેવજી વલેરા પરિવારના અને શહેરના પુલ ટેબલના ચેમ્પિયન ખેલાડી ગણાતા 30 વર્ષના રાજ અજીતભાઇ વલેરા શનિવારે બપોરે તેના રાબેતા નિત્યક્રમ મુજબ ઘેર ન પહોંચતા તેની તપાસ કરવામાં આવી હતી, તેનો ફોન પણ નો રીપ્લાય થયો હતો. આખરે તેની માતા ધીરજબેન અને ભાભુ અનુપમાબેન તેને શોધતાં શોધતાં સાંજે 4.30 વાગ્યે દુકાને પહોંચ્યા હતાં, જ્યાં રાજ દુકાનમાં છાપા પાથરીને સૂતો જોવા મળ્યો હતો.
પુત્ર ઘેર ન આવતાં માતા શોધતાં આવ્યાં હતાં : રાજે જવાબ ન દેતા તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં અને ત્યાં ડોકટરોએ તેનો કાર્ડીયાક એરેસ્ટના કારણે મોત જાહેર થયું હતું. હોસ્પિટલમાં માતાએ કરુણ કલ્પાંત કર્યું હતું અને ત્યારબાદ તેમને ઘેર લઇ જવા આવ્યા હતાં, પુત્રની અંતિમ યાત્રા નીકળે તે પહેલા જ ધીરજબેનને આઘાતમાં છાતીમાં વધુ દુ:ખાવો થતાં તેમને પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં, જ્યાં ડોકટરોએ સઘન સારવાર કરી હતી અને ત્યારબાદ ફરજ પરના ડોકટરોએ ધીરજબેનને મૃત જાહેર કર્યાં હતાં. એકતરફ રાજની સ્મશાનયાત્રા નીકળી હતી, બીજી તરફ થોડીવારમાં માતા ધીરજબેને પણ અનંતની વાટ પકડી લીધી હતી. આમ માતાપુત્રએ ઘરમાં એકસાથે વિદાય લેતા ઘર ખાલી થઇ ગયું હતું. રવિવારે સવારે માતાની પણ સ્મશાનયાત્રા નીકળી હતી.
ભાણેજને પહેલાં જ મોતની આગાહી કરી દીધી : વિધિની કણતા તો એ છે કે જ્યારે પુત્રનો મૃતદેહ પરિવારને મળ્યો ત્યારે રાજના માસીના દીકરા જય છાંટબારને માતા ધીરજબેને એટલે કે માસીએ એકાએક કહ્યું હતું કે, મારી પણ વિદાય નિશ્ચિત છે અને અમારા બેની વિધિ તારે જ કરવાની છે. શનિવારે રાત્રે પુત્રની અને રવિવારે માતાની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આમ ફરીથી શહેરમાં માતાપુત્રનું હદયરોગથી મૃત્યુ થયું છે. આમ મહાલક્ષ્મી ચોકમાં વેપારીઓમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે.