જામનગર : જામનગર સહિત સમગ્ર હાલારમાં નવરાત્રીના ઢોલ વાગવાની શરૂઆત આવતીકાલથી થશે. પરંતુ એ પહેલા જ કાલાવડ પંથકમાં મેઘરાજાએ વેલકમ નવરાત્રીની જેમ વરસાદ વરસાવતા ખેલૈયાઓ અને આયોજકો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. બેરાજામાં પણ વરસાદના જોરદાર ઝાપટા પડ્યા હતાં.
બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ: હવામાન ખાતાની આગાહી મુજબ પ્રથમ નોરતે મેઘરાજા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે સત્તાવાર રીતે તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જોકે કાલાવડ પંથકમાં નવરાત્રી પૂર્વે મેઘરાજાની રાસલીલા જોવા મળી હતી. માત્ર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતાં કેટલાક પાકમાં નુકસાન થાય તેમ હોવાનું જાણવા મળેલ છે.
વીજળી ગુલ : કાલાવડના આજુબાજુના ગામડાઓમાં વરસાદના જોરદાર ઝાપટા પડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ઓચિંતા વરસાદના આગમન બાદ કાલાવડમાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ આગમન કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં તો કેટલાક વિસ્તારોમાં વીજળી રાણી થોડા સમય માટે રીસાયાં હતાં.
દાંડિયાના આયોજકો મૂંઝાઈ ગયા : વરસાદના ઓચિંતા આગમનથી દાંડિયાના આયોજકો મૂંઝાઈ ગયા છે. કેટલાક સ્થળોએ નવરાત્રિના મંડપ તૈયાર થઈ રહ્યા હતાં તેવામાં મેઘરાજાએ જોરદાર વરસાદ વરસાવતા મંડપને ભારે નુકસાન થયું હતું. કેટલાક ગરબી મંડળોની સાઉન્ડ સિસ્ટમ પણ બગડી ગઈ હતી વલસાણ બેરજામાં વરસાદના જોરદાર ઝાપટા પડ્યાંનું બહાર આવ્યું છે. પડધરીથી રાજકોટ વચ્ચે પણ વરસાદના જોરદાર ઝાપટા પડતા લોકો ખૂબ જ તકલીફનો સામનો કરી રહ્યા છે. જામનગરના અન્ય વિસ્તારમાં મેઘરાજાનું જોકે આગમન થયું ન હતું.
વરસાદની આગાહી : ખાસ કરીને જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજા ગઈકાલે ખાબક્યા હતાં.ત્યારે ખેડૂતોની સાથે સાથે ગરબા આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે અને હવામાનવિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇ ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે. તો નવરાત્રીમાં પણ મેઘરાજા વિઘ્નરુપ બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.