જામનગર : રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના સાત જિલ્લામાં ફરશે. જે અંગે જામનગરમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમે જાણકારી આપી હતી. સમગ્ર ભારત જોડો યાત્રા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સહિતના અગ્રણી નેતાઓએ આ યાત્રાનો રુટ ઘડ્યો છે, ત્યારે આ યાત્રા ગુજરાતના સાત જિલ્લામાં આવશે તેમ પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમે આજે બપોરે બોલાવયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
કેટલા કિલો મીટર ચાલશે યાત્રા : તેમણે કહ્યું હતું કે, ભારત જોડો યાત્રા કુલ 66 દિવસની રહેશે અને આ યાત્રા 20 માર્ચના રોજ મુંબઇમાં પૂરી થશે, દેશના 15 રાજ્યમાં 110 જિલ્લામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. જેમાં ગામેગામ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો જોડાશે. આજે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જાહેર કર્યું હતું કે અમારા અગ્રણી નેતા રાહુલ ગાંધીના નેજા હેઠળ કોંગ્રેસના કાર્યકરો ખુશ છે અને લગભગ સવા બે મહિના સુધી આ યાત્રા ચાલશે.
કયા રૂટ પર જશે ભારત જોડો ન્યાય યાત્રા : આ યાત્રા મણિપુરના ચાર જિલ્લા, નાગાલેન્ડના પાંચ, આસામના 17, અરુણાચલ અને મેઘાલયના 1-1, પશ્ચિમ બંગાળ 7, બિહાર 7, ઝારખંડ 13, ઉડીસા 4, છત્તીસગઢ 7, ઉત્તરપ્રદેશ 20, મઘ્યપ્રદેશ 9, રાજસ્થાન 2, ગુજરાત 7 અને મહારાષ્ટ્રના 6 જિલ્લાઓ સહિત કુલ 1613 કિલોમીટરમાં આ યાત્રા ફરશે. માર્ગમાં કોંગ્રેસના અગ્રણીઓ યાત્રાનું ભવ્ય સ્વાગત કરશે.
કોંગ્રેસમાં જોડાવા અપીલ કરી : વિક્રમ માડમે આ સાથે કોંગ્રેસમાં જોડાવા માટે એક મોબાઇલ નંબર શેર કર્યો હતો.તેમણે કહ્યું કે મોબાઇલ નંબર 989180R024 પર તમે મીસકોલ મારો અને આ ન્યાયની લડાઇમાં કોંગ્રેસ તમને સાથ આપશે. આ યાત્રા બેરોજગારી, નોકરી ન મળતા યુવાનો, કર્જમાં ડૂબેલા કિસાનો અને મોંઘવારીના માર અને દવા માટે સંઘર્ષ કરતા લોકો અને ગરીબોને ન્યાય મળે એ માટે લોકોને સમજાવવામાં આવશે.