જામનગર : જામનગર પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયર એમ એમ માકડીયાની કાબીલે દાદ કામગીરી સામે આવી છે. કારણ કે જે વિસ્તારમાં વીજ પુરવઠો પૂરતો મળતો ન હતો ત્યાં કારખાનેદારો છેલ્લા ઘણા સમયથી પરેશાન હતાં. અનેક વખત રજૂઆત કરી વિરોધ કર્યો છતાં તેનું પરિણામ શૂન્ય જ હતું. તે દરેડ GIDC ફેઇઝ 3ની પાછળ આવેલી શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વીજ ધાંધિયાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવ્યાં છે..
કાર્યપાલક એન્જિનિયરનું સન્માન કરાયું : આ વિસ્તારના 250થી વધુ કારખાનેદારો વીજ પુરવઠો અપૂરતો મળતો હોવાના કારણે વર્ષોથી પરેશાન હતાં.આ સમસ્યાના ઉકેલ માટે 700 જેટલા લોકોના ટોળાએ જામનગર પીજીવીસીએલની કચેરીએ હંગામો પણ મચાવ્યો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટોળાને કાબૂમાં લીધું હતું. ત્યારે આવી ગંભીર સમસ્યાનો ઉકેલ ફીડર મૂકીને લાવી દેવાયો છે. શ્રી હરિ અને સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માટે નવું ફીડર મુકવામાં આવતા આજરોજ કારખાનેદારો દ્વારા કાર્યપાલક એન્જિનિયરનું સન્માન કરવામાં આવ્યું છે
વીજ ધાંધીયાથી પરેશાન કારખાનેદારો : જામનગર પીજીવીસીએલને મહિને 70 કરોડની રેવન્યુ થાય છે તેમાં જીઆઈડીસીના કારખાનાઓનો મોટો ફાળો છે. જ્યાં દિવસમાં અનેક વખત વીજળી ગુલ થવાની ઘટનાઓ બનતી હતી. જામનગરના દરેડ જીઆઇડીસીમાં મોટી સંખ્યામાં બ્રાસપાટના કારખાને આવેલા છે અને આ કારખાનામાં પૂરતો વીજપુરવઠો ન મળવાના કારણે કારખાનેદાર પરેશાન બન્યા હતા કારણ કે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના કારણે અનેક મશીનરીઓમાં પણ નુકસાન આવી રહ્યું હતું અને પોતાનું ઉત્પાદન કરવામાં પણ પાછળ રહી જતા હતાં.
કારખાનેદારોમાં ખુશીનો માહોલ : આ કારણે થોડા સમય પહેલા મોટી સંખ્યામાં 700 જેટલા લોકો જામનગર પીજીવીસીએલની કચેરી ખાતે પહોંચ્યા હતા અને અહીં જોરદાર હંગામો કર્યો હતો આખરે પીજીવીસીએલ કાર્યપાલક એન્જિનિયર એમ એમ માકડીયાએ આ ઉદ્યોગકારોના પ્રશ્નનું કાયમી સોલ્યુશન લાવ્યા છે અને નવું ફીડર બેસાડી 250 જેટલા કારખાનેદારોને 24 કલાક વીજળી મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે જેના કારણે કારખાનેદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજરોજ કાર્યપાલક એન્જિનિયર એમ એમ માકડીયાનું મોં મીઠું કરી અને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું છે. આમ સરકારી કર્મચારીઓમાં લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની જો યોગ્ય દાનત હોય તો જામનગર પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયર એમાં માકડીયા જેવી કામગીરી કરવી જોઈએ તેવી ચર્ચા થઇ રહી છે.