જામનગર : જામનગર ન્યુ સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડની ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજ રોજ વડોદરા, રાજકોટ, ભાવનગરની ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યું છે. જુદી જુદી ટીમના 15 સભ્યો દ્વારા સર્વે કામગીરી શરૂ કરાઈ છે. ન્યુ સાધના કોલોનીમાં જર્જરિત ઇમારત ધરાશાયી થયા બાદ હાઉસિંગ બોર્ડ સફાળું જાગ્યું છે.
1995માં ન્યુ સાધના કોલોનીના 1400 આવાસ બનાવવામાં આવ્યા હતાં. હાલ તે અતિ જર્જરિત હાલતમાં છે. ત્યારે અહીં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. અને સર્વેની કામગીરી કર્યા બાદ રિપોર્ટ અમદાવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જમા કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ આગળનું પગલું ભરશે...શ્યામ કોટિયા(ગુજરાત હાઉસિંગ બોર્ડના કર્મચારી )
મચ્છરનગર બ્લોકનું સર્વે : આ સર્વેની કામગીરી સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને શરૂ કરવામાં આવી છે. સર્વે ટીમે જર્જરિત ઇમારતોના વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી છે. સાધના કોલોની હાઉસિંગ બોર્ડના આવાસમાં તમામ ઇમારતો જર્જરિત છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મચ્છરનગર બ્લોકનું સર્વે હાઉસિંગ બોર્ડ અધિકારીઓને સાથે રાખી કરવામાં આવ્યું છે.
જે પ્રકારની દુર્ઘટના બની છે તે દુઃખદ છે અને અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડની સર્વેની ટીમ આવી પહોંચી છે. હાલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ રાજ્ય સરકારમાં જમા કરવામાં આવશે અને રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન લેશે...વિનોદ ખીમસૂરિયા(સ્થાનિક કોર્પોરેટર )
ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી : જામનગરમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં 1400 જેટલા આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં 10,000 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. જોકે બે દિવસ પહેલા અહીં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં આઠ લોકો ફસાયા હતાં. જેમાંથી પાંચને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ત્રણના કમકમાટી ભર્યા મોત થયાં હતાં. ત્યારબાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્શનમાં આવ્યું છે અને આજ રોજ જુદા જુદા જિલ્લાની 15 સભ્યોની ટીમ જામનગર ખાતે આવી પહોંચી છે અને સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.