જામનગર : આજ રોજ જામનગર મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં 1404 આવાસના રહીશો મનપાએ પાઠવેલ નોટિસ મુદે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આજથી 20 વર્ષ પહેલાં મનપાએ અંધ આશ્રમ પાસે 1404 આવાસ બનાવ્યા હતા, જે હાલ જર્જરિત હાલતમાં છે. જર્જરિત થઇ ગયેલાં સરકારી આવાસો ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. અહીં બે હજાર લોકો વસવાટ કરી રહ્યા છે. જો કે બે દિવસ પહેલા મનપાએ આવાસના તમામ મકાનો તોડી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને કોઈ પણ ભોગે આવાસ ખાલી નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે.
જામનગર મહાનગરપાલિકાએ પહેલા આવાસના મકાનોનું ડિમોલિશન કરતા પહેલા તમામ આવાસમાં રહેતા લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ...ધવલ નંદા(વિરોધ પક્ષના નેતા, જામનગર કોર્પોરેશન)
કોઈપણ ભોગે આવાસ ખાલી નહીં કરે : આ બાબતને લઇને આજરોજ મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં જામનગર મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતાં. અહીં જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદાને રજૂઆત કરી છે અને કોઈપણ ભોગે આવાસ ખાલી નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે.
લોકોને નોટિસ પાઠવી: 45 દિવસ પહેલા જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જર્જરિત ઈમારત ધારાસભ્ય થવાના કારણે ત્રણ લોકોના કાટમાળમાં દબાઈ જવાના કારણે મોત થયા હતા અને પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હતાં. જોકે આવી ઘટના ફરીથી ન બને તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરી તમામ આવાસો ખાલી કરવા માટે અગાઉ પણ લોકોને નોટિસ પાઠવી હતી અને હવે પાંચ દિવસ બાદ તમામ આવાસના મકાનો તોડી પાડવામાં આવશે તેવી નોટિસ પાઠવવામાં આવી છે.
અંધ આશ્રમ પાસે આવેલા આવાસો અતિ જર્જરિત છે અને ગમે ત્યારે આ મકાનો પડે તેવી સ્થિતિમાં છે. મોટી જાનહાનિ ન થાય તે માટે આવાસોનું ડિમોલિશન કરવામાં આવશે અને સ્થાનિકોને નોટિસ પણ પાઠવી દીધી છે..(નીલેશભાઈ વરણવા, અધિકારી, ટાઉન પ્લાનિંગ શાખા, જામનગર કોર્પોરેશન)
ખાલી કરવા પાંચ દિવસનો સમય : સ્થાનિકો જણાવી રહ્યા છે કે જામનગર મહાનગરપાલિકાએ માત્ર પાંચ દિવસનો સમય આપ્યો છે. જેના કારણે તેઓ આવાસ ખાલી કરી શકે તેવી શક્યતા નથી. કારણ કે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા તેમના માટે ઊભી કરવામાં આવી નથી. તમામ લોકોએ આવાસમાં પૈસા ભરી અને મકાનો લીધા .છે ત્યારે પહેલા જામનગર મહાનગરપાલિકાએ આવાસમાં રહેતા તમામ 2000 લોકો માટે વૈકલ્પિક રહેવા માટેની વ્યવસ્થા અથવા નવા બનાવેલા આવાસમાં મકાન ફાળવવામાં આવે તેવી માંગ કરવી છે.