જામનગર : જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રાખવામાં આવેલા અનામી પારણાંમાં જન્માષ્ટમીની રાત્રે કોઇ અજાણ્યાં વ્યક્તિ દ્વારા શિશુ રાખી દેવામાં આવ્યું હતું. હાલના સમયમાં નવજાત શિશુઓને રસ્તા પર કે કચરાની જગ્યાએ ફેંકી દેવાના ખૂબ બનાવો બની રહ્યાં છે. ત્યારે જામનગરમાં સંસ્થાઓ દ્વારા આ પ્રકારે બાળકોને ફેંકી દેવાના બદલે અનામી પારણાંમાં મૂકી દેવાની જાગૃતિ ફેલાવવામાં આવતી હોય છે. ત્યારે શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના અનામી પારણાંમાં બાળક મૂકી દેવાતાં સંસ્થા દ્વારા તેને આશરો આપવામાં આવ્યો છે.
અનામી પારણા અંગેની નોંધને લીધે બાળકને આશરો મળ્યો શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરના પ્રમુખ કરશનભાઈ ડાંગરે જણાવ્યું હતું કેે શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે રાખવામાં આવેલ અનામી પારણામાં જન્માષ્ટમીની રાત્રે એક બાળક, કૃષ્ણ ભગવાન સ્વરૂપે આવેલ છે. સંસ્થાના સંચાલકો દ્વારા એ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું અને વિભાગીય અધિકારીઓ, પોલીસ અધિકારીઓને જાણકારી આપવામાં આવી. હાલ બાળક સ્વસ્થ છે. થોડા સમય પહેલાં વર્તમાનપત્રો અને મીડિયા દ્વારા આપવામાં આવેલ અનામી પારણા અંગેની નોંધને લીધે એક બાળકને આશરો મળ્યો છે.
જામનગરના વિકાસગૃહના અનામી પારણામાં કોઈ બાળક મૂકી ગયા છે. શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે રાખવામાં આવેલ અનામી પારણામાં જન્માષ્ટમીની રાત્રે બાળક મળ્યું છે. કૃષ્ણ ભગવાન સ્વરૂપે બાળકને ગણીએ છીએ. બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયું છે અને પોલિસને જાણ કરાઇ છે. બાળકની હાલત સ્વસ્થ છે...કરશનભાઈ ડાંગર (પ્રમુખ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ )
બાળકની જવાબદારી સંસ્થાએ લીધી જામનગરમાં જન્માષ્ટમીની રાત્રે 9 વાગ્યે એક બાળક કસ્તૂરબા વિકાસ ગૃહના અનામી પારણામાંથી મળી આવ્યું છે. આ બાળક વિશે માહિતી આપતા કસ્તુરબા વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગરે વધુમાં જણાવ્યું કે કસ્તૂરબા વિકાસ ગૃહ દ્વારા અત્યાર સુધીમાં 355 જેટલા અનાથ બાળકોનું ઉછેર કરવામાં આવ્યો છે અને આ બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. બાળકોની તમામ જવાબદારી સંભાળે છે. તો જન્માષ્ટમીના દિવસે કોઈ અજાણી મહિલા કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે અનામી પારણામાં બાળક છોડી ગઈ છે અને આ બાળકની જવાબદારી પણ સંસ્થાએ લઈ લીધી છે અને તાત્કાલિક તેને જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહીં તેની તબિયત સ્થિર હોવાનો ડોક્ટર જણાવી રહ્યા છે. જોકે જન્માષ્ટમીના દિવસે આ બાળક મળ્યો છે એટલે તેનું અત્યારથી કાનો નામ રાખવામાં આવ્યું છે.