જામનગર: રાજસ્થાનમાં પુષ્કર મેળામાં પ્રાણીઓની લે-વેચ થતી હોય છે. ફ્રાંસ, અમેરિકા, લંડન સહિત દેશભરમાંથી લોકો ખાસ આ પુષ્કરનો મેળો જોવા માટે આવે છે. પુષ્કરના ઇન્ટરનેશનલ ફેરમાં ગુજરાત ઉપરાંત પંજાબ, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ, કેરળ અને તમિલનાડુથી જુદી જુદી પ્રજાતિઓના ઘોડા આવ્યા છે. ઉંટ, ગાય, બળદ અને અશ્વ આ મેળામાં આવે છે. આ મેળામાં દર વર્ષે અશ્વોની રેસ પણ યોજાતી હોય છે.
પુષ્કર મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો કેસરિયો: દર વર્ષે રાજસ્થાનમાં યોજાતા પુષ્કર મેળામાં કેટલાક અશ્વો માત્ર ડિસ્પ્લે માટે રાખવામાં આવતા હોય છે. જેમાં ગુજરાતના અનેક અશ્વપ્રેમીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. જેમાં જામનગરથી ચારેક લોકો પણ પોતાના અશ્વ લઇને ત્યાં પહોંચ્યા છે. જો કે આ વખતે બધાના મોંઢે માત્ર કેસરિયા ઘોડાની જ ચર્ચા થઈ રહી છે. એક સમય હતો જ્યારે રાજા-રજવાડાઓમાં અશ્વપ્રેમ ખુબ જ જોવા મળતો હતો. જો કે આજે જામનગરના એક એવા અશ્વપ્રેમી ચરણજીતસિંહ ધર્મેન્દ્રસિંહ મહેડુની વાત કરીશું કે જેમના ડિસ્પ્લે માટે રાખવામાં આવેલ કેસરિયા ઘોડાએ પુષ્કર મેળામાં રંગત જમાવી છે. જેને જોવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. કેસરિયાને જોઇને જ પ્રવાસીઓ આકર્ષિત થઇ રહ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ફ્રાંસના પેરિસમાંથી આવેલી બે મહિલા વિદેશી પ્રવાસીએ તો કેસરિયાને ખરીદવા માટે રુપિયા 10 કરોડની ઓફર પણ કરી હતી. પરંતુ કેસરિયાના માલિક ચરણજીતસિંહે હસતા મોંઢે આ ઓફર ઠુકરાવી દીધી અને અશ્વપ્રેમ રજૂ કર્યો હતો. જો કે જો કે આ કેસરિયા ઘોડાનો વછેરો રુસ્તમ 51 લાખમાં વેચાયો છે, જે ફ્રાન્સ ગયા બાદ પેરિસ જશે.
કોણ છે આ કેસરિયાના માલિક ? કેસરિયાના માલિક ચરણજીતસિંહ ધર્મેન્દ્રસિંહ મહેડુ જામનગરના લોઠિયા ગામમાં રહે છે. તેઓ એનર્જી પાવડરનું મેન્યુફેક્ચર તથા આયાત કરે છે. ચરણજીતસિંહ પાસે કેસરિયા સહિત 10થી 12 જેટલા અશ્વો છે. તેઓ છેલ્લા 12 વર્ષથી અશ્વોની બ્રિડિંગ પણ કરાવે છે. ચરણજીતસિંહનું કહેવું છે કે કેસરિયો પોતાની સુંદરતાને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. તેઓ અશ્વપ્રેમી હોવાથી અશ્વો માટે ખાસ ફાર્મહાઉસ પણ બનાવડાવ્યું છે.
કરોડોનો કેસરીયો આજ અથવા કાલે હોર્શ એમ્બ્યુલન્સ મારફત માદરે વતન એટલે કે લોઠીયા ખાતે આવી પહોંચશે. ચરણજીતસિંહએ વાતચીતમાં જણાવ્યું હતું કે કેસરીયો ઘોડો જામનગરના લોકોને દેખાડવાની એમની એની ઇચ્છા છે. એક વખત તેઓ લોકો માટે આ કેસરીયા ઘોડાને માર્ગ ઉપર ફેરવશે પણ ખરા... |
કેસરિયા માટે નોકરચાકર હાજર: કેસરિયાને ખોરાકમાં દરરોજ ગીર ગાયનું ઘી આપવામાં આવે છે. ભાલથી ચણા, જુવાર મંગાવવામાં આવે છે અને બનાસકાંઠાથી ખાસ બાજરો મંગાવવામાં આવે છે. આ ઉપરાંત તેની ચામડીની ચમક માટે અને મસલ્સ માટે અમુક વિદેશી ખોરાક પણ આપવામાં આવે છે. સાત વર્ષની વયનો કેસરીયો 63 ઇંચની લંબાઇ ધરાવે છે. તેની માવજત માટે 25-25 હજારના બે ખાસ પગારદાર લોકો પણ રાખવામાં આવ્યા છે, જે કેસરીયાની દેખરેખ અને કાળજી રાખે છે.
કેસરિયાની એવી તે શું ખાસિયત છે ? કેસરિયો મારવાડી પ્રજાતિનો અશ્વ છે. મોટાભાગે આ પ્રકારના અશ્વ માત્ર મારવાડ પ્રદેશમાં જ જોવા મળે છે. એટલું જ નહીં અગાઉ રાજા રજવાડાના સમયમાં યુદ્ધ અને લડાઇ વખતે મારવાડી ઘોડા જ વધુ રાખવામાં આવતા. મારવાડી ઘોડાની ખાસિયત એ છે કે આ ઘોડા અન્ય ઘોડાની સરખામણીમાં દોડવામાં વધુ ઝડપી હોય છે અને રણપ્રદેશમાં સરળતાથી દોડી શકે છે.
કેસરિયા ઘોડાનો વછેરો 51 લાખમાં વેચાયો: : કરોડોમાં મંગાયેલો જામનગરના લોઠીયા ગામનો કેસરિયો હવે દેશની સાથે વિદેશમાં પણ જાણીતો બની ગયો છે. તેના માલિકના જણાવ્યા મુજબ કેસરિયો અને લાખી નામની ઘોડી જે હાલમાં રાજકોટ છે તે બન્નેનું સંતાન રુસ્તમ છે. જે 51 લાખમાં વેચાયો છે. પુષ્કરના મેળામાં રુસ્તમ ઉપરાંત જામનગરના મિલનભાઇ નામના એક અશ્વપ્રેમીનો પરમરાજ નામનો વછેરો પણ વેચાયો છે. આ બન્ને વછેરા સૌપ્રથમ ફ્રાન્સ જશે અને ત્યાંથી પેરિસ મોકલવામાં આવશે. જો કે આ ઉપરાંત પણ કેટલીક રસપ્રદ વિગતો જાણવા મળી છે કે જેમાં જામનગરમાં જ રહેતાં મિલનભાઈનો ‘પરમરાજ’ નામનો વછેરો 51 હજાર ડોલર, રણશેર નામની વછેરી પણ 21 હજાર ડોલરમાં વેંચાયા છે જે ફ્રાન્સ જશે.