જામનગરઃ ચોમાસાની સિઝનમાં આમ તો વિભાપર ગામના ખેડૂતો પોતાની જમીનમાં વાવેતર કરતા હોય છે, જોકે આ વખતે ત્રણ-ત્રણ વખત વાવેતર કર્યું હોવા છતાં પણ વાવેતર ઊગ્યું નથી. ડમ્પિંગ સાઇટના કચરામાંથી ખેડૂતોના ખેતરોમાં પ્લાસ્ટિક મોટા પ્રમાણમાં આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોએ અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ સમસ્યાનો ઉકેલ ન આવતા આજરોજ મહાનગરપાલિકાની કચરો ઠાલવવાની તમામ ગાડીઓને રોકી વિરોધ કર્યો છે. ડમ્પિંગ સાઇટ આજુબાજુના તમામ ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે. પ્લાસ્ટિકના કારણે જમીનો બગડી રહી છે, તેમજ પાક પણ લઇ શકાતો નથી.