હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઇ તે રીતે સફેદ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, સીધા સૂર્યપ્રકાશથી બચવું, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું. વારંવાર ઠંડું પાણી પીવું, લીંબુ શરબત, છાસ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ, ORS વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા જોઇએ.
બાળકો માટે કેસુડાના ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો. ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, દિવસ દરમિયાન ઝાડ નીચે રહેવું, બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહી. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ, માવાની વાનગીઓ ખાવી નહી. ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન 12 વાગ્યા સુધીમાં લઇ લેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું. વધુ પડતો શ્રમ ટાળો, શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું ટાળવું.
માથુ દુ:ખવું, વધુ તાવ આવવો, પગની પીંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, સુધ-બુધ ગુમાવી દેવી(મુંઝવણ અનુભવવી) અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ બધા લક્ષણો હીટવેવના કારણે હોઇ શકે છે. આવી પરિસ્થિતિમાં તરત જ નજીકના આશાવર્કર, આરોગ્ય કાર્યકર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્વ કે ૧૦૮ સેવાઓનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત જામનગરની એક યાદીમાં જણાવામાં આવ્યું છે.