જામનગરઃ શહેરની જી. જી. હોસ્પિટલ અનેકવાર વિવાદોમાં સપડાતી રહે છે. હવે નવો વિવાદ જુનિયર ડૉક્ટર્સ સીનિયર્સના બ્રેકફાસ્ટના બિલ ભરે છે તે સામે આવ્યો છે. આ વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પોસ્ટ બાદ વધુ ભડક્યો હતો. તેથી ડીન લેવલે આની તપાસ કરવામાં આવી છે. તપાસ કમિટીએ રિપોર્ટ આપી દીધો છે. ડીને મીડિયામાં રિપોર્ટની માહિતી પણ આપી છે.
3 સીનિયર્સ ડોકટર્સની તપાસ કમિટીઃ આ સમગ્ર બાબતની તપાસ ડૉ. મનીષ મહેતા, ડૉ. વંદના ત્રિવેદી અને ડૉ. હર્ષનો સમાવેશ કરતી તપાસ કમિટી બનાવી હતી. આ તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે. જેમાં પણ કંઈ વાંધાજનક નીકળ્યું નથી. જો કે ડીન લેવલથી હજુ પણ એક હાયર કમિટીની રચના કરાવવામાં આવશે. જે સમગ્ર મામલાની હજુ વધુ ઉંડાણ પૂર્વક તપાસ કરશે.
રેગિંગ વિરોધી સીસ્ટમઃ જી.જી. હોસ્પિટલમાં એન્ટિ રેંગિગ કમિટી અને ક્યુઆર કોડની વ્યવસ્થા છે. જેમાં કોઈ પણ જુનિયર ડૉક્ટર તેમજ જુનિયર ડોકટર્સના એસોસિયેશન તરફથી કોઈ પણ જાતની ફરિયાદ કરવામાં આવી નથી. આ સમગ્ર બનાવમાં હકીકત એવી હોવાનું કહેવામાં આવ્યું છે કે, વર્ષોથી આ પ્રકારની એક સગવડીય સીસ્ટમ ચાલી આવે છે. જેમાં પ્રથમ અને દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે બેસીને ચા, પાણી, નાસ્તો કરતા હોય છે અને જમતા હોય છે. જો કે હોસ્પિટલ સત્તા દ્વારા આ બનાવ બન્યા બાદ આ સગવડીય સીસ્ટમ બંધ કરાવી દીધી છે.
અમે રેસિડન્ટ ડોકટર્સ પાસેથી લેખિત જવાબ માંગવાના છીએ એટલું જ નહિ કોલેજ કાઉન્સીલના રર વિભાગના વડા સાથે મીટિંગ યોજી છે. સોશિયલ મીડિયામાં આ ઘટના મુદ્દે હોબાળો મચી ગયો છે, પરંતુ રેંગિંગ જેવી કોઈ ઘટના જ નથી. તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો છે જો કે હજૂ પણ હાયર કમિટી દ્વારા એક, બે દિવસમાં ઊંડાણપૂર્વકનો અહેવાલ આપી દેવાશે...ડૉ. નંદિની દેસાઈ(ડીન, જી.જી. હોસ્પિટલ, જામનગર)