જામનગર : જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર શંકર ટેકરી ઉદ્યોગનગરની પંજાબ નેશનલ બેંકમાંથી ગત 13 જાન્યુઆરીના શનિવારના રોજ મોડી રાત્રે બેંકના શટરના તાળા તૂટ્યાં હતાં. જોકે ચોરનો પ્રયાસ સફળ બન્યો ન હતો. આ યુવકને જામનગર પોલીસે ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે
બેરોજગાર હોવાથી યુવકે બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
સોમવારે જાણ થઇ હતી : બેંકના કર્મચારી શનિ-રવિની રજા બાદ સોમવારે સવારે બેંકે પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીને અલગ અલગ દિશામાં તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી પાડ્યો : આ બનાવની મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં આવેલ હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની શંકર ટેકરી શાખામાં ગત તારીખ 12 જાન્યુઆરીના સાંજના 6 30 થી તારીખ 15 જાન્યુઆરી સવારે 9:00 વાગ્યા સુધી સમય દરમિયાન અજાણ્યા તસ્કરો બેંકના શટરના તાળા તોડી ત્રાટક્યા હતાં અને તસ્કરોએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તસ્કર દ્વારા બેંકની સ્ટ્રોંગ રૂમની દીવાલ તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પહેલાં પણ ચોરીના પ્રયાસ કર્યાં હતાં : અગાઉ પણ યુવકે પંજાબ નેશનલ બેંકમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે પ્રયાસ નિષ્ફળ ગયો હતો તેમ જ તસ્કરો દ્વારા ચોરી માટે કરાયેલા તમામ પ્રયાસો નિષ્ફળ જતા તસ્કર બેંકમાંથી પરત ફર્યો હતો. ત્યારબાદ સોમવારે સવારે બેંક કર્મચારી નીતુ સીતારામ શાહને જાણ થતા તેમને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરોના ફૂટેજના આધારે પોલીસે તસ્કરને દબોચી લીધો અને તેની પાસેથી ચોરીમાં વપરાયેલો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.