જામનગર : જામનગર શહેરમાં પોલીસ દાદાની ધાક ઓસરી ગઈ છે, હા કારણ કે જેને ગુનો કરવો છે તે હવે ગેમ તેમ ગુનો આચરે છે અને બિન્દાસપણે ગુના આચરે છે, ગતરાત્રીના વધુ એક આવી જ ઘટના જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં સામે આવી...આ ઘટનાના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે જે બાદ આજે સવારે સી ડીવીઝન પોલીસ મથકેથી આ ઘટના અંગે જાહેર થયેલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બાબતે ટેલિફોનિક વાતચીત કરતા સીટીસીના પીઆઇ ચૌધરીએે જણાવ્યું કે તમામ તોફાની તત્વોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બબાલ કેમ થઇ : જામનગર શહેરના કોમલનગર મેઇન રોડ પર પોતાના પિતાના ઘરે હાલ રહેતા વનીતાબેન મયુરભાઇ પ્રેમજીભાઇ ચાવડાને પતિ સાથે અણબનાવ થયો હતો. જેથી પિતાના ઘરે પોતાના પિયરમાં રહેવા આવી ગયાં હતાં. જેથી વનીતાબેનના પતિ મયુર ચાવડા રાત્રે આવીને તેમની દોઢ વર્ષની દીકરીને લઈ જવા આવ્યો હતો. ફરિયાદી વનીતાબેને પોતાની પુત્રીને લઈ જવાની ના પાડી હતી. જેથી મયુર ચાવડાને ખોટું લાગ્યું હતું અને તે ત્યાંથી નીકળી ગયો હતો.
ટોળકીરુપે આવી હુમલો કર્યો : જે બાદ રાતના સમયે વનીતાબેનના પતિ મયુરભાઇ પ્રેમજીભાઇ ચાવડા સહિતના આરોપીઓ ભાવેશ પ્રેમભાઇ ચાવડા, ભાવેશભાઇ દેવદાન ગઢવી, સાગર આલાભાઇ ગઢવી, અજય લક્ષ્મણભાઇ મકવાણા, નવીન રામજીભાઇ મોભેરા, કાયો ગઢવી, ધનરાજ ગઢવી, હિતેષ ગઢવી, મેહુલ શીંગરખીયાએ ભેગાં મળી વનીતાબેનના પિતાને ત્યાં ધમાલ મચાવી તોડફોડ કરી હતી.
એક વ્યક્તિને પથ્થરથી ઇજા કરી : એફઆઈઆરમાં જણાવાયું છે કે આ રીતે ગેરકાયદેસર મંડળી રચી સમાન ઉદેશથી લાકડી અને લોખંડના પાઇપો અને ધોકા સાથે ફરિયાદી વનીતાબેનના પિતાના ઘરે આવી ગાળો આપી છુટા પથ્થરોના ઘા કરી અન્ય એક વ્યક્તિને પથ્થરથી ઇજા કરી હતી. તેમજ ઘરની બહાર રાખેલ એક્ટિવા ઉપર લાકડી તથા પાઇપથી તોડફોડ કરી નુકશાન કરી રીતસરની ધમાલ મચાવવા અંગેની ફરિયાદ સી ડીવીઝન પોલીસમાં જાહેર થઇ છે.
પોલીસ કાર્યવાહી થઇ : સીટીસી પોલીસે તમામ ગુનેગારોની અટકાયત કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે તમામ યુવકોએ તોફાન કર્યું હતું અને ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે અને આરોપીઓએઘર પર પથ્થરમારો પણ કર્યો હતો તથા પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બાબતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.