જામનગરની સ્થાપનાઃ વિ.સં.1596ના શ્રાવણ માસની સુદ સાતમ અને બુધવારના રોજ સવારે સૂર્યોદય સમયે શહેરની સ્થાપના થઈ. જામનગરના પ્રથમ રાજવી જામ રાવલજીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ ભૂમિ પર થાંભલી રોપવામાં આવી. આ શહેરની સાથે સદીઓનો ઈતિહાસ અને વારસો જોડાયેલો છે.આજે શહેરના સ્થાપના દિવસે રાજપૂત સમાજ દ્વારા સ્થાપના ખાંભીની વિધિવત પૂજા કરાઈ.
કઈ રીતે પડ્યું નામ?: જામ રાવલજી દ્વારા નવા સ્થપાયેલા નગરનું નામ નવાનગર તરીકે પ્રચલિત હતું. જે પાછળથી તેના રાજા જામ તરીકેની ઓળખને કારણે જામનું નગર કહેવાતું. લોકબોલી દ્વારા હાલમાં આ શહેરને જામનગર કહેવાય છે. રાજવી જામ રાવલજી દ્વારા રોપાયેલ થાંભલી સાથે શેષનાગની ફેણ અને પુછડીની વાતો ઘણી પ્રચલિત થયેલી છે. તેથી જ આ ભૂમિ પર નાગદેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે.
આજે જામનગરના 484મા સ્થાપના દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામ રાવળે સ્થાપેલી ખાંભીનું વિધિવત રીતે પૂજન કરાયું છે...રિવાબા જાડેજા (ધારાસભ્ય, જામનગર)
આજે શહેરની સ્થાપના દિવસની ઉજવણીમાં મારી સાથે ડેપ્યુટી મેયર, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે...બિના કોઠારી(મેયર, જામનગર)
જામનગરના અન્ય નામઃ જામનગરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ આ શહેરને નવાનગર કહે છે. કોઈ જામનગરને હાલાર તરીકે ઓળખે છે. કોઈ તેને હાલારની પવિત્ર ભૂમિ ગણે છે. કોઈ જામનગરને ઈન્ડિયાના ઓઈલ સિટીના હુલામણા નામે ઓળખે છે.
કેમ કહેવાયું રાજધાની?: આ ભૂમિ જામ રાવલજી દ્વારા તે સમયે કબ્જે કરાયેલા વિશાળ ભૂમિ વિસ્તારની મધ્ય ભાગમાં આવતી હોવાના કારણોસર અહીં નવી રાજધાની વસાવવામાં આવી હોવાનું કહેવાય છે. જામનગરની સ્થાપના પહેલા આ ભૂમિ ખાતે નાગનેશ નામે ધીકતું બંદર હતું.જે હાલના નાગેશ્ર્વર વિસ્તારમાં અસ્તિત્વમાં હતી. જે ઘુમલીના જેઠવા રાજવીઓની રાજસતામાં હતી. જામ રાવલજીએ જેઠવા રાજવીના લશ્કર સામે યુદ્ધ કરીને આ બંદરનો કબજો મેળવ્યો હતો.
હાલારની સ્થાપના જામ રાવલે કર હતી. આ શહેરના દરેક નાગરિક ખૂબ જ ગૌરવ અનુભવે છે. રાજવીએ આ શહેરને ઘણું આપ્યું છે. રાજપૂત સમાજ અને રિવાબા જાડેજાએ ખાંભીની પૂજા કરી હતી...હકુભા જાડેજા(માજી મંત્રી)
જામનગરની ઓળખઃ શહેરની સ્થાપના બાદ રાજવીએ અનેક વિકાસકાર્યો કર્યા. તેમણે પાયાની સુવિધાઓ પુરી પાડી હતી. સુપ્રસિદ્ધ રણમલ તળાવ પણ બનાવ્યું હતું. રાજા અજીતસિહંજીએ ક્રિકેટની દુનિયામાં જામનગરને ઓળખ અપાવી. શિલ્પ સ્થાપત્યો ઉપરાંત જામનગરને આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, બ્રાસ પાટ માટે પણ ઓળખવામાં આવે છે.