જામનગર : ગઈકાલે શુક્રવારે જામનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, સવારથી જ મતદાનનો પ્રારંભ થયો હતો અને સાંજ સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી અને ત્યારબાદ મતગણતરી કરવામાં આવી હતી અને મોડી સાંજે પરિણામ જાહેર કરાયા હતાં. આ પરિણામોમાં ફરી એક વખત ભરત સુવા પ્રમુદ પદે ચૂંટાઈ આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, પ્રમુખ પદ માટે 3 ઉમેદવાર મેદાનમાં હતાં. જ્યારે અન્ય હોદ્દા માટે 8 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો, જોકે, ઉપપ્રમુખ અને સેક્રેટરી અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચુક્યા છે. ત્યારે વકીલ મંડળના નવા ચૂંટાયેલા સભ્યોનું વિજય સરઘશ કાઢવામાં આવ્યું હતું અને સતત દસમી વખત પ્રમુખ બનતા ભરતભાઈ સુવા તમામ વકીલ મંડળના સભ્યોએ ફૂલહારથી અભિનંદન પાઠવ્યા હતાં.
જામનગર બાર એસો. ચૂંટણી : જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં આ વખતે એડવોકેટ ભરતભાઈ સુવા, એડવોકેટ અનિલભાઇ જી. મહેતા તેમજ એડવોકેટ નયન એમ. મણિયારે પ્રમુખપદ માટે દાવેદારી કરી હતી. જ્યારે બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી (મંત્રી) તરીકે મનોજભાઈ ઝવેરી બિનહરીફ જાહેર થયા છે. જ્યારે જોઇન્ટ સેક્રેટરી (સહમંત્રી) તરીકે ડીપ શૈલેષ ચંદારાણા, દિપકકુમાર ગચ્છર, જીતેન્દ્રભાઈ સોમગર ગોસાઈ, લાયબ્રેરી સેક્રેટરી બ્રિજેશકુમાર ત્રિવેદી, રાહુલ ચૌહાણ, ખજાનચીમાં એજાદ અનવર માજોઠી, અસરફ અલી મહંમદ ઘોરી અને રુચીર આર. રાવલે ઉમેદવારી નોંધાવી હતી. કારોબારી સભ્યો માટે કુલ 8 ફોર્મ આવેલ છે, જે પૈકી બે ફોર્મ રદ થતા 6 સભ્યોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
2 ઉમેદવાર બિનહરીફ : ચૂંટણી અનુસંધાને વકીલ મંડળ બેઠકહોલમાં સવારે 9:30 કલાકે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલમાં જામનગરના વકીલમંડળમાં 1237 સભ્યો નોંધાયેલા છે. સવારથી સાંજના 4 વાગ્યા સુધી સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રમુખ પદ માટે 3 ઉમેદવાર અને અન્ય હોદ્દા માટે 8 ઉમેદવારો મળી કુલ 11 ઉમેદવાર મેદાનમાં હતાં. જ્યારે બે હોદ્દા પર ઉમેદવાર બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે.
પરિણામ ક્યારે આવશે ? મતદાનની પ્રક્રિયા સાંજે પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી અને ગણતરી પૂર્ણ થયા પછી મોડેથી પરિણામ જાહેર કરાયા હતાં. વકીલ મંડળની આ ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી કમિશનર તરીકે કે. ડી. ચૌહાણ, જોઇન્ટ કમિશનર બી.ડી. ગોસાઈ અને જોઈન્ટ કમિશનર મિહિર નંદાએ જહેમત ઉઠાવી હતી.