જામનગર : શહેરની બાંધણીને આજે તેની ખ્યાતિ દેશભરમાં પ્રસરાવી છે. બાંધણીઓમાં જુદી-જુદી કલાત્મક ડિઝાઇન જોવા મળે છે. તેમાં ટપકાની વાત, ફૂલની વાત, ફળની વાત, ભૌમિતિક ભાત, પાંદડાની ભાત, કે હાથી ઘોડા જેવા પ્રાણીની ભાત પણ જોવા મળે છે. આ ઉપરાંત રેશમી સોનેરી અને ઝેરીવાળી પટીઓની કિનારી બનાવી બાંધણી અને સુંદરતામાં ભવ્યતા લાવવામાં આવે છે.
આ બાંધણી સુતરાઉ અથવા રેશમની સાડીની હોય છે. જેના વિશિષ્ટ કારણે બાંધણી તરીકે ઓળખાય છે. બાંધે તે બંધન અને આ બંધન શબ્દ પરથી બાંધણી નામ પડ્યું છે. ગુજરાત અને રાજસ્થાનની બાંધણી પ્રખ્યાત છે. જામનગરની રંગમતી નદીના પાણીમાં બનાવેલા બાંધણીના રંગો આંખે ઊડીને વળગે તેવા હોય છે. કચ્છ અને વઢવાણમાં પણ બાંધણી મોટા પ્રમાણે બને છે. આ બાંધણી બનાવવાના કામમાં વાંઝા તેમજ ખત્રી કોમના લોકો કુશળતા ધરાવે છે.
જામનગરની બાંધણી હાલ દેશ-વિદેશમાં પ્રખ્યાત બની છે. એ મહત્વનું છે કે, જામનગરની બાંધણીથી શહેરમાં મોટા પ્રમાણમાં મહિલાઓ રોજગારી મેળવી રહી છે.