જામનગર : છેલ્લા સપ્તાહ દરમિયાન જામનગરમાં ગમખ્વાર અકસ્માતના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ફરી એકવાર હાઇવે ટચ રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જામનગરની ભાગોળે ચંગા-પીપળી રોડ, ચંદ્રાગઢ નજીક આજે સવારે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક દંપતિનું કરુણ મોત થયું હતું. ઉપરાંત અન્ય ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.
જીવલેણ અકસ્માત : આ અંગે મળતી વિગત અનુસાર જામનગર નજીક ચંગા-ચંદ્રાગઢ રોડ પર આજે સવારે એસયુવી કાર નં. GJ05-RE-7078 અને વેન્યુ કાર નં. GJ10-DJ-9234 વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો. અકસ્માતગ્રસ્ત કારમાં સવાર લોકો રોડ પર લોહીલુહાણ હાલતમાં ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માતમાં દોઢીયા ગામના 60 વર્ષીય કાંતીભાઈ પોપટભાઈ મેંદપરા અને 56 વર્ષીય શારદાબેન કાંતીભાઈ ગંભીર રૂપે ઘવાયા હતા. બાદમાં ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ગૌતમભાઈ, જીપ્પીબેન અને ગ્રીષ્ટીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોને 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના પીએમની કામગીરી શરૂ કરવામાં આવી છે. -- ટ્રાફિક PSI મોઢવડીયા
દંપતિનું કરુણ મોત : આ બનાવના પગલે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઉપરાંત અકસ્માત અંગે જાણ થતા પંચ-બીના PSI મોરીની સૂચનાથી પોલીસ ટુકડી ઘટનાસ્થળ અને હોસ્પીટલ ખાતે પહોંચી ગઈ હતી. બે કાર વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિકની સમસ્યા સર્જાતા ટ્રાફિક PSI મોઢવડીયા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી જઈ વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.