જામનગર શહેરના પણ કેટલાક વિસ્તારોમાં મોડીરાત્રે ઈન્ટરનેટ ધીમું થઇ ગયું હતું. ક્ષતિને નિવારવા માટે તાત્કાલીક કામગીરી આરંભવામાં આવી છે. જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામથી ખંભાળીયા વચ્ચે આઈડિયા તથા વોડાફોન મોબાઈલ કંપનીના પાથરવામાં આવેલા ફાયબર વાયર ગઈકાલે રાત્રે કોઈ રીતે કપાઈ જતા જામનગરના અમુક વિસ્તારોથી માંડીને ખંભાળીયા તેમજ ભાણવડ-જામજોધપુર સુધી મોબાઈલ ફોનની સેવાને અસર થઈ હતી
ગઈકાલે રાત્રે 11 વાગ્યા પછી ફાયબર વાયર કટ થવાનો બનાવ બનતા બંને ખાનગી કંપનીઓની મોબાઈલ સેવા ઠપ્પ થઈ હતી. જો કે, સમગ્ર જામનગર શહેરમાં તેની અસર જોવા મળી ન હતી. પરંતુ કેટલાક વિસ્તારોમાં મોબાઈલમાં ઈન્ટરનેટ ચાલતુ બંધ થયું હતું. આ ઉપરાંત, ખંભાળીયા શહેરમાં પણ બંને કંપનીના મોબાઈલમાંથી ટાવરના નેટવર્ક ગુમ થઈ ગયા હતાં. જ્યારે ભાણવડ અને જામજોધપુરમાં પણ બંને કંપનીની ઈન્ટરનેટ સેવામાં વિક્ષેપ થયો હતો. આ બાબતે કંપનીના ઉચ્ચ અધિકારીઓને જાણ થતા વહેલી સવારથી સમારકામ શરુ કરાયું હતું. જેના પગલે બપોર સુધી આ સેવા પૂર્વવત થવાની આશા સેવાઈ હતી.