- જામનગરમાં સાંસદ પૂનમ માડમે માજી સૈનિક મંડળના કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન
- સૈનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે નવું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું
- સૈનિકોની મુશ્કેલીઓ હવે આ કાર્યાલયના મારફતે સરકાર સુધી પહોંચશઃ સાંસદ
જામનગરઃ હાલાર જિલ્લામાં રવિવારે સાંસદ પૂનમ માડમના હસ્તે માજી સૈનિક મંડળના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમની સાથે નિવૃત્ત સૈનિકો, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તમામ લોકોએ વીર સૈનિકોની શૂરવીરતા અને જુસ્સાને યાદ કર્યા હતા.
આ કાર્યાલયની મદદથી નિવૃત્ત સૈનિકોના પ્રશ્નો સીધા સરકાર સુધી પહોંચશે
આ પ્રસંગે સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, સીમા પર તહેનાત અનેક જવાનોમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરના જવાન પણ છે. તેઓ હાલમાં અહીં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. નિવૃત્ત સૈનિકોના પ્રશ્નોને વાચા આપવા તેમ જ તેમની જરૂરિયાત અંગે સરકાર સુધી વાત પહોંચાડવા માટે આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે.
સૈનિકો પોતાને જોઈતી સુવિધાઓ અંગે આ કાર્યાલયથી જ રજૂઆત કરી શકશે
હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સૈનિકોના મુદ્દે આ કાર્યાલયથી પત્ર વ્યવહાર કરવામાં આવશે. તેમ જ જો કોઈ પણ સૈનિકોને કોઈ સુવિધાની જરૂર પડે તો તેઓ આ કાર્યાલયમાંથી પોતાની સમસ્યાનું નિવારણ મેળવી શકશે.