જામનગરના મહાદેવ નગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો રોગચાળાના ભરડામાં આવે તેવી શકયતા છે. જામનગરમાં વોર્ડ નંબર-6માં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક તંત્ર દ્વારા ગટર તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
મહાદેવ નગરના સ્થાનિકોએ અવારનવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા સફાઈ તેમજ ગટરની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકો હાલ ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ કોર્પોરેટર તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતા પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.