જામનગરઃ શહેરમાં આવતીકાલથી વધુ 151 એસટી બસો રસ્તા પર દોડતી જોવા મળશે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આવતીકાલે આ બસનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. અહીં કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ અને મૂળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. આ માટે એસટી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારથી જ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે અને અહીં તમામ 151 જેટલી બસને સ્ટેન્ડ રખાય છે.
આ પણ વાંચોઃ 100 દિવસમાં જ 900થી વધારે બસ લોકોની સેવામાં મૂકવાનો નિર્ણય
સરકારે ફાળવી બસઃ એસટી ડિવિઝનના ડીસીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુલ ત્રણ કેટેગરીની બસનું આવતીકાલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સુખાકારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે 151 જેટલી બસો ગુજરાત એસટી વિભાગને ફાળવી છે.
એસટી ડેપોના રિનોવેશનની માગઃ એક તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 151 બસોનું લોકાર્પણ કરશે. બીજી તરફ જામનગરનો એસટી ડેપો વર્ષોથી જર્જરિત હાલતમાં છે. જોકે લોકોએ અનેક વખત એસટી ડેપોના રિનોવેશન તેમ જ નવું એસટી ડેપો બનાવવાની માગ પણ કરી હતી. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી.
ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ CMને લખ્યો હતો પત્રઃ અગાઉ ધારાસભ્યએ પણ મુખ્યપ્રધાનને લેટર લખ્યો હતો. એસટી ડેપોમાંથી અવારનવાર પોપડાઓ પડવાની ઘટનાઓ બને છે અને પ્રવાસીઓના જીવ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. થોડા દિવસો પહેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ રાજ્ય સરકાર સમક્ષ જામનગરમાં નવો એસટી ડેપો બનાવવાની પત્ર લખી માગ કરી હતી. જોકે, તેમની માગ પણ સ્વીકારવામાં આવી નથી. તેવામાં આવતીકાલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જામનગર આવી રહ્યા છે. એસટી ડેપોને લઈ કોઈ નવી જાહેરાત કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ udget 2023: સરકારે ST માટે કરોડો ફાળવ્યા પણ પ્રવાસીઓ હજી પણ સુવિધાથી નારાજ
ધારાસભ્યો અને સાંસદ ઉપસ્થિત રહેશેઃ 12 માર્ચે (રવિવાર) ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી તેમના વરદ હસ્તે 151 નવીન બસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે, જેમાં કેબિનેટ પ્રધાનો રાઘવજી પટેલ, મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જામનગર (ઉત્તર)નાં ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર (દક્ષિણ)ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.