જામનગરમાં: હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. જામનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રાચીન કથા અનુસાર હોલિકા ઉત્સવની ઉજવણી કરી હતી. ઉલ્લેખનિય છે કે આ હોળીમાં કોઇ એવી વસ્તુઓ હોતી નથી જેના કારણે પર્યાવરણને નુકશાન થાય.
અન્ય શહેરો કરતા જરા અલગ: જામનગરના ભોઈ સમાજ દ્વારા કરવામાં આવતી ઉજવણી સૌરાષ્ટ્રના અન્ય શહેરો કરતા જરા અલગ હોય છે. અહીં ભોઈ સમાજ દ્વારા 25 ફૂટ ઊંચા અને 3 ટન વજનનું વિશાળ હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું મહાનુભાવો અને ભક્તજનોની ઉપસ્થિતિમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા છેલ્લા 67 વર્ષથી આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો Holi Festival 2023: જામનગરમાં વિશ્વની સૌથી મોટી હોલિકાનું દહન, જાણો વિશેષ મહાત્મ્ય
પૂતળાનું સરઘસ: ભોઈ સમાજના લોકો દ્વારા હોળીના દિવસે બપોરના સમયે જ ધામધૂમથી હોલિકાના પૂતળાનું સરઘસ યોજવામાં આવે છે. ત્યારબાદ શાકમાર્કેટ વિસ્તારમાં મોડી સાંજે પ્રાચીન કથા અનુસાર હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોઈ સમાજના યુવકો દ્વારા છેલ્લા એક મહિનાથી હોલિકાના પૂતળું બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જોકે કોરોના કાળ હોવાના કારણે છેલ્લા બે વર્ષથી હોલિકા દહન દરમિયાન લોકોની ભીડ એકઠી ન થાય ત્યારે ધ્યાન રાખવામાં આવતું હતું.
આ પણ વાંચો Jamnagar Crime: ચોરીના ગુનામાં પકડાતાં ઠપકો આપતાં પુત્રએ પિતાની કરી હત્યા
હોલિકા ઉત્સવની ઉજવણી: આ વખતે કોરોનાના કેસ જૂજ માત્રામાં હોવાના કારણે ધામધૂમ પૂર્વક હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. દૂર દૂરથી ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવમાં હાજરી આપવા માટે આવ્યા હતા.જામનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં વર્ષોથી ઉજવાતા અનોખા હોલિકા ઉત્સવને નિહાળવા માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. આજે પણ અહીં પગ મૂકવાની જગ્યા ન હતી. જામનગર શહેરના આગેવાનોની હાજરીમાં જ હોલિકાનું દહન કરવામાં આવે છે. આ હોલિકા ઉત્સવમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કાગથરા, DySP વરૂણ વસાવા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.