જામનગર: જામનગરમાં 8 ઈચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. જામનગરનો રણજીતસાગર ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઓવરફ્લો થયો છે, જેનું મોટાભાગનું પાણી જામનગર મધ્ય આવેલા લાખોટા તળાવ પણ ઓવરફ્લો થયો છે. લાખોટા તળાવનું પાણી શહેરની નીચાણવાળી સોસાયટીઓમાં ફરી વળ્યું છે.
જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી અહીં દર વર્ષે પાણી ભરાઇ જાય છે. આ વર્ષે પણ 5 ફૂટ જેટલું પાણી જિલ્લા પંચાયતમાં ભરાઈ જતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લા પંચાયતમાં ભરાયેલા પાણીમાં માછલા અને કાદવ કીચડ મોટા પ્રમાણમાં આવી જતા કર્મચારીઓ દ્વારા સમગ્ર જિલ્લા પંચાયતમાં રહેલા પાણીનો હાલ નિકાલ કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર જામનગર પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસતા મોટાભાગની નદીઓ ગાડીતૂર બની છે, તો જિલ્લામાં આવેલા 24માંથી મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જામનગરમાં આમ સર્વત્ર પાણી-પાણી જોવા મળી રહ્યું છે, અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા તેમજ રેસ્ક્યૂ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.