જામનગર: એક બાજુ રાજ્ય સરકાર શિક્ષણમાં અવનવા સુધારા કરી રહી છે અને વધુમાં વધુ બાળકો શિક્ષણ લે તે માટેના પ્રયાસો કરી રહી છે ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે. કારણ કે અહીં અભ્યાસ કરનાર વિદ્યાર્થી છે પણ વિદ્યાર્થીઓ માટે શાળા જ નથી.
સરકારી શાળાની ઈમારત જર્જરિત હાલતમાં: જામનગરના જોડીયામાં આવેલી શેઠ કેડીવી સરકારી શાળાની ઈમારત જર્જરિત હાલતમાં છે. જેમાં શિક્ષકોની અછતના કારણે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો એક સાથે અભ્યાસ કરવાના કારણે બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે. આ સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ચાર ધોરણ વચ્ચે માત્ર ત્રણ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. અધૂરામાં પૂરું પ્રિન્સિપાલ પણ ન હોવાથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે એક શિક્ષિકાને ફરજ બજાવી પડી રહી છે.
આ પણ વાંચો: Class 1 Admission Age : નવી શિક્ષણ નીતિને લઈને શાળા વાલી વચ્ચે ગેરસમજ
શિક્ષકોની અછત: જોડીયાના સ્થાનિક વિદ્યાર્થીના વાલીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થતો નથી. જોકે ના છૂટકે વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે અમારે ફરજિયાત આ સ્કૂલમાં વિદ્યાર્થીને ભણાવવા પડે છે. જોડીયાની સરકારી હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાય વર્ષથી ગણિત-વિજ્ઞાન જેવા વિષયના શિક્ષકો વગર અભ્યાસક્રમ પૂરો કરાવવામાં આવી રહ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી છે પણ શિક્ષકોની સંખ્યામાં ઘટ છે. જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: ધો 10 અને 12ના વિદ્યાર્થીઓ શરૂ કરી દેજો તૈયારી, 14થી 29 માર્ચ સુધી લેવાશે પરીક્ષા
કોણ જવાબદાર?: આમ જોડિયામાં શાળાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પ્રાથમિક અને માધ્યમિકના બાળકો એકસાથે અભ્યાસ કરે છે અને શિક્ષકોની ઘટ હોવાના કારણે આ વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે રાજ્ય સરકાર સરકારી સ્કૂલોની સ્થિતિ ક્યારે સુધારશે. ખાસ કરીને જામનગર શહેરમાં પણ નગર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. તેમનું ભણતર બગડી રહ્યું છે. તો આ ઘટના માટે કોણ જવાબદાર હશે?