જામનગરઃ આદ્યશક્તિની નૃત્ય સ્વરુપે આરાધના એટલે ગરબો. બ્રહ્માંડીય ઊર્જાના સ્ત્રોતનું પ્રતીક ગર્ભદીપ એટલે ગરબો. આપણા ગરબાને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવામાં આવી છે. આ પ્રસંગે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનેસ્કોની જાહેરાતનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમજ ખેલૈયાઓ દ્વારા ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્ણા સોઢા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, મ્યુનિ. કમિશ્નર ડી. એન. મોદી, કોર્પોરેટર્સ, ખેલૈયાઓ, કલાકારો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
2500 બહેનોએ કર્યા ગરબાઃ યુનેસ્કોમાં ગરબાને સ્થાન મળવાથી ગુજરાત અને ભારતનું ગૌરવ વધ્યું છે. આ પ્રસંગને હરખે વધાવવા લતીપુરની કલા સંસ્થા શ્રી પટેલ રાસ મંડળી લોક કલા ટ્રસ્ટ તથા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપક્રમે ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક ગામોની 2500 બહેનોએ પરંપરાગત પોશાકમાં ગરબા દ્વારા આદ્યશક્તિની આરાધના કરી અને UNESCOએ આપેલ માન્યતાને વધાવી હતી. શ્રી પટેલ રાસ મંડળીના પ્રમુખ મહેન્દ્ર અણદાણી કે જેમને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ રાષ્ટ્રીય સંસ્થા સંસ્કાર ભારતી એ તાજેતરમાં જ તેમની નિમણૂક ગુજરાત પ્રાંતના લોકકલા અધ્યક્ષ તરીકે કરી છે.
ગરબાને જ્યારે સમગ્ર વિશ્વ એ સ્વીકાર્યો છે ત્યારે આ ગરબાએ અમને ગામડાના કલાકારોને વૈશ્વિક કક્ષાએ માન અપાવ્યું છે. આ પ્રસંગને વધાતા આ કાર્યક્રમનું આયોજન કરતા અમને ખૂબ હર્ષની લાગણી થાય છે...મહેન્દ્ર અણદાણી(લોકકલા અધ્યક્ષ, સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત )
વૈશ્વિક સંસ્થા unesco એ ગરબા ને "સાંસ્કૃતિ ધરોહર"માં સ્થાન આપ્યું છે. આ પ્રસંગ સંદર્ભે જામનગર જિલ્લા વહીવટી અને જામનગર કોર્પોરેશને સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રગતિ થઈ રહી છે તેનું આ એક ઉદાહરણ છે. હું એક જામનગરવાસી અને ગુજરાતી તરીકે યુનેસ્કોનો આભાર માનું છું...નિલેશ કગથરા (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જામનગર)
યુનેસ્કોએ આપણા ગુજરાતના ગરબાને જે બહુમાન આપ્યું છે તેનો મને ખૂબ જ આનંદ છે. જામનગરનો પ્રખ્યાત ગીત છે હાલાજી તારા હાથ વખાણું.....હું કાર્યક્રમમાં ભાગ લઈને બહુ ઉત્સાહી છું...પલકબા રાઠોડ(ખેલૈયા, જામનગર)