જામનગર : રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 60 લાખ રેશનકાર્ડધારક પરિવારોના ૩ કરોડ ૨૫ લાખ લાભાર્થી પરિવારોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય હેઠળ સસ્તા અનાજના દરોની દુકાન પરથી મફત અનાજ આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે.
1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ પ્રકારે રાશનકાર્ડ ધારક પરિવારોને અનાજ પૂરું પાડવામાં આવશે. હાલ, હાલારના જામનગર જિલ્લાના કુલ 44,180 રેશનકાર્ડ ધારક પરિવારોના 2 લાખ 13 હજાર 754 લાભાર્થીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21,670 રેશનકાર્ડ ધારક પરિવારોના 94 હજાર 21લાભાર્થીઓને આ અંતર્ગત સાંકળી લેવાયા છે.
આ સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અનાજનો પુરવઠો પર્યાપ્ત રીતે મળી રહે તે માટેના પ્રયત્નો કરી રહ્યાં હતા. લોકોને આ સમય દરમિયાન કોઇ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી સતત નિરીક્ષણ કરી અને સંપૂર્ણ પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પાર પાડી લોકોની સેવા કરવા તત્પર હોવાનું તેમણે જમણાવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે, હાલારવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો છે. લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે અને જ્યારે સસ્તા અનાજની દુકાનો પર પહોંચે ત્યારે વ્યવસ્થિત અંતરે ઊભા રહી દુકાન પરથી પરિવાર માટે અનાજ પ્રાપ્ત કરે. જેથી કોરોનાના સંક્રમણની સાંકળ પણ આગળ ન વધે અને દરેક પરિવારોને પોતાની જીવનજરૂરી આવશ્યક વસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ય બની રહેશે. સાથે જ દુકાનદારો કોઈપણ પ્રકારની અનાજ, કરીયાણાની અન્ય વસ્તુઓનો સંગ્રહ ન કરે અને લોકો પણ પોતે સંગ્રહખોર ન બને. તો, વધુ લોકો સુધી પૂરતા પ્રમાણમાં અનાજ પહોંચશે. તેમજ કોઈને ચિંતા કરવાની જરૂર નથી. સૌને લોકડાઉન દરમિયાન અનાજ આપવા અંગેની ખાતરી આપી હતી.