જામનગર : જામનગર શહેરમાં નકલી ઘી છે કે નહીં અને તેમાંથી મીઠાઈ બનતી હોય તો કઈ પ્રકારના પગલા લેવા તે અંગે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નક્કી કરેલા કેટલાક વિસ્તારોમાં નમૂના લેવામાં આવ્યા હતાં. ત્યારે જો ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરી ચેકિંગમાં નિષ્ફળ જશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ફૂડ શાખાએ ચેતવણી આપી છે.
લૂઝ ઘીના નમૂના લેવાયા : ડીએમસી ભાવેશ જાનીની સૂચનાથી આજે બપોરે ગ્રીન માર્કેટ વિસ્તારમાં આવેલ મિલન ટ્રેડર્સમાંથી પેકિંગ રહેલા શુદ્ધ ઘીના નમુના લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગ્રીન માર્કેટમાં આવેલી હીરેન ટ્રેડર્સમાંથી લૂઝ ઘીના નમૂના ફૂડ શાખા દ્વારા લેવામાં આવ્યાં હતાં. પશુ દવાખાના પાસે આવેલ વિશાલ ટ્રેડિંગમાંથી ગાયનું શુદ્ધ ઘી અને કાસ્ટ ટ્રેડર્સમાંથી લેબમાં મોકલી આપવામાં આવ્યાં હતાં આ કાર્યવાહી ટી બી પરમાર અને નીલેશ જાસોલીયાએ કરી હતી.
તહેવારોને ધ્યાને લઇ ચેકિંગ ડ્રાઇવ : જામનગર શહેરમાં આગામી વિજયા દશમી અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના ગ્રીન માર્કેટ વિસ્તાર તેમજ શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાંથી ભેળસેળવાળા ઘીનું વેચાણ અટકાવવા અને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે ફૂડ શાખાની ટીમો સક્રિય બની છે અને ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે. જો કોઈ વાંધાજનક સામગ્રી અથવા પદાર્થ મળી આવશે તો કાયદાકીય પગલા લેવામાં આવશે તેવું ફુડ સખાના અધિકારીઓ જણાવી રહ્યા છે.
નમૂના વડોદરાની લેબોરેટરીમાં મોકલાયા : જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તહેવારો દરમિયાન નકલી ઘીને પકડી પાડવા માટે અભિયાન હાથ ધરોમાં આવ્યું છે. ત્યારે આ તમામ દુકાનોમાંથી શુદ્ધ ઘીના નમૂના લઈને વડોદરાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ શહેરમાં રોગચાળો ફાટી નીકળે છે ત્યારે મોટી મોટી હોટલોનું પણ ચેકિંગ કાર્યવાહી કરવી જોઈએ અને લોકોને શુદ્ધ ખાવાનું મળે તે માટે સતત ચેકિંગની કાર્યવાહી થવી જોઈએ તેવી પણ લોક માંગ ઉઠી છે.