જામનગર: જામજોધપુરના જામ આંબરડી ગામે ખેડૂતોની વાડીમાંથી GETCO દ્વારા રવિ પાકની ચાલુ સીઝનમાં વીજ લાઈન નાખવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રવિપાકની સીઝન બાદ વીજ થાંભલા લગાવવામાં આવે.
રવિ પાકને નુકસાનની ભીતિ: GETCOના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઈન નાખવા માટે પહોંચ્યા હતા. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. GETCO દ્વારા 66 kvની વીજલાઈન ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવતાં ખેડૂતો પરેશાન બન્યા છે. કારણ કે તેના કારણે ખેતરોમાં રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે તેમજ વીજ પુરવઠાને કારણે જાનહાનિ થાય તેવી પણ શક્યતા છે.
ગૌચરની જમીનમાં વીજ થાંભલા ઉભા કરાયા: ગ્રામજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગૌચરની જમીનમાં કંપની દ્વારા વીજ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. ગામમાં 20 થી 25 જેટલા ખેડૂતોના ખેતરમાંથી 66 KV લાઈન પસાર કરવામાં આવશે. આ મુદ્દે ખેડૂતોએ કલેકટરને અગાઉ રજૂઆત કરી હતી. આમ છતાં વીજ લાઈન અને થાંભલાની કાર્યવાહી કરવામાં આવતાં ખેડૂતો એ વિરોધ કર્યો હતો. જો કે કંપની દ્વારા ખેડૂતોને બાંહેધરી આપવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો છે.
ત્રણ વર્ષથી કામગીરી બંધ: GETCOના ડેપ્યુટી એન્જિનિયર જણાવી રહ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષથી જામ આંબરડી ભોજાબેડી વચ્ચે 66 KVની વીજ લાઈન નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. જો કે ખેડૂતો દ્વારા સતત વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે. જેના કારણે આ કામગીરી ત્રણ વર્ષથી બંધ હાલતમાં હતી.