જામનગર : નોવેલ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી અને તેને રોકવાના ભાગરૂપે લાગુ કરાયેલા લોકડાઉનના પરિણામે ભારતભરની જેલોમાં કેદી તરીકે જીવન પસાર કરી રહેલા લોકોને પણ સ્વાભાવિક રીતે સામાન્ય લોકોની જેમ જ વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ ભારતીય ન્યાયતંત્ર અને તમામ રાજ્યોના જેલ વિભાગો દ્વારા જેલમાં બંધ બંદીવાનોને જીવવા આવશ્યક વસ્તુઓ માટે સગવડતા રહે અને તેમને કોરોના વાઇરસ મહામારીથી બચાવી શકાય તે બાબતે અથાગ અને અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે ગુજરાત જેલ વિભાગ જેલોના ડાયરેક્ટર અને ઈન્સ્પેક્ટર જનરલ ડૉ.કે.લક્ષ્મીનારાયણ રાવના માર્ગદર્શન હેઠળ વિવિધ પગલાં ભરી બંદિવાનો માટે સગવડતા ઊભી કરી તેમને કોરોના વાઈરસથી બચાવવામાં મોખરે રહ્યું છે.
જામનગર જિલ્લા જેલ ખાતે પણ જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદ્દીન એસ.એલ.ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ જિલ્લા જેલ ખાતે બંદીવાનોને આવશ્યક સુવિધા મળી શકે, તેમના માનવાધિકાર સંપૂર્ણ રીતે જળવાઈ રહે અને કોરોના વાઇરસથી બચાવી શકાય તે માટે વિવિધ પગલાઓ જેવા કે, 24x7 મેડિકલ સુવિધા, ક્વોરેન્ટાઇન બેરેકની સુવિધા, આઇસોલેશન બેરેકની સુવિધા, રેગ્યુલર ડિસઇન્ફેકશન ઓફ પ્રિમાઇસીસ, કેદીઓ, સ્ટાફ અને સ્ટાફના પરિવારોનું મેડિકલ સ્ક્રિનિંગ, રૂબરૂ મુલાકાત પર પાબંધી, ટિફિન સુવિધા પર રોક, બંદીવાનોની વચગાળાના શરતી જામીન પર મુક્તિ વગેરે પગલાઓ ખૂબ જ કારગર નીવડ્યાં છે.
વર્તમાન પરિસ્થિતિ અને બંદીવાનોને જરૂરિયાતો અને તેમના અધિકારોને ધ્યાને લઇ જિલ્લા જેલ અધિક્ષક જામનગર દ્વારા કેટલાક વધુ પગલાઓ લઇ સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેમાં મનીઓર્ડરની સેવા, ઇ-મુલાકાત સુવિધા, સેનિટાઇઝેશન બોક્ષ દ્વારા ડિસઇન્ફેકશનના પગલા લેવામાં આવ્યા છે.
આમ, જામનગર જિલ્લા જેલ કે જેના અધિકાર ક્ષેત્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓ આવે છે ત્યારે આ બંને જિલ્લાના તથા થોડા પ્રમાણમાં રહેલા અન્ય જિલ્લાઓના, રાજ્યના અને દેશના તમામ કેદીઓ કોરોનાથી મુક્ત રહે અને સરળ તેમજ માનવઅધિકારોથી સંપન્ન જીવન ગાળી, સુધારાત્મક વહીવટ થકી શારીરિક તેમજ માનસિક તંદુરસ્ત અને સારા નાગરિક બની સમાજમાં પરત જાય તે માટેના અથાગ અને અવિરત પ્રયાસો જિલ્લા જેલ અધિક્ષકશ્રીની આગેવાની હેઠળ જામનગર જિલ્લા જેલ કરે છે અને કરતું રહેશે.