જામનગરમાં એક જ દિવસમાં 13 દર્દીઓને ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના રોગચાળાએ છેલ્લા કેટલાક દિવસથી માઝા મૂકી છે. તો ચોમાસામાં વધુ જોવા મળતા આ રોગચાળાએ હાલ દેખા દીધી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે તાવની બિમારી માટે સારવાર અર્થે આવેલા દર્દીઓમાંથી શંકાસ્પદ જણાતા 39 દર્દીઓના જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમાંથી ૧૩ દર્દીને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ મળ્યો હતો.
આથી આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને સઘન સારવાર શરૂ કરવામાં આવી રહી છે. તો આ 13 દર્દીઓમાંથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4 તથા ગ્રામ્ય વિસ્તારના 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 8 કેસ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.