જામનગર : વાવાઝોડાને લઈને સરકારે જામનગર જિલ્લાની જવાબદારી કેબિનેટ પ્રધાન મુળુ બેરાને સોંપી છે, ત્યારે મૂળ બેરાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને જામનગર શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના કેટલા લોકોનું સ્થળાંતર કરવું અને સ્થળાંતર કરેલા લોકોને કઈ જગ્યાએ રાખવા તેમજ સંભવિત વાવાઝોડાની અસરમાંથી જામનગરને કેમ ઉગારવું તે માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર પર સંભવિત વાવાઝોડાનો ખતરો વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં કોઈ જાનમાલ ને હાનિ ન થાય અને ખૂબ ઓછું નુકસાન થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. - મુળુ બેરા (કેબિનેટ પ્રધાન)
બેઠકમાં ક્યાં ક્યાં મુદ્દા પર થઈ ચર્ચા : બેઠકમાં કલેકટરે જોડિયા, જામનગર ગ્રામ્ય, લાલપુરના દરિયાકાંઠાના ગામોમાં દરિયાથી નજીક વસવાટ કરતા હોય એવા કાચા મકાનોમાં રહેતા લોકો માટે આશ્રય સ્થાન સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠાના ગામોને જરૂરી સૂચનાઓ આપી એલર્ટ કરવા, રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ હાથ ધરવી, મેડિકલ ટીમ જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો તૈયાર રાખવા, આરોગ્ય કેન્દ્રોમાં જનરેટર સહિતની વ્યવસ્થા ઊભી કરવી, નબળા પુલ-નાળા-કોઝવે પર લોકોની અવરજવર અટકાવવી, તરવૈયા-આપદા મિત્રો સહિતની ટીમો બનાવવી, તાલુકા વાર સર્વે ટીમો તૈયાર કરવી, હોર્ડિંગ્સ તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, દરિયાકાંઠા વિસ્તારના સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવા વગેરે બાબતે લગતા અધિકારીઓ સાથે ચર્ચા કરી તમામ બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
બેઠકમાં કોણ કોણ રહ્યું હાજર : બેઠકમાં અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી લાલપુર ધ્રોલ, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી, વિભાગીય નિયામક એસ.ટી., જિલ્લા આરોગ્ય અધિકારી હોમગાર્ડ કમાન્ડન્ટ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત, ગ્રામ્ય તથા શહેર મામલતદાર, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, પી.જી.વી.સી.એલ., બી.એસ.એન.એલ., સહિતના વિભાગોના અધિકારીઓ જોડાયાં હતા.