જામનગર: રાજ્ય પર બીપરજોય નામના વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયા બાદ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સતત દરિયા કિનારાના જિલ્લાઓને સાવધાન કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતાને પગલે વડોદરાથી NDRFની સાત જેટલી ટીમો જુદા જુદા જિલ્લામાં ફાળવવામાં આવી છે.
NDRFની ટીમને તૈનાત રહેવા આદેશ: સંભવિત વાવાઝોડાના જોખમને પગલે જાનમાલનું કોઈ નુકસાન ન થાય અને બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરી શકાય તે માટે 7 જેટલી ટીમોને જુદા જુદા હેડ ક્વાર્ટર પર તૈનાત રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં એક ટીમ ફાળવવામાં આવી છે તો પોરબંદરમાં એક ટીમ ફાળવવામાં આવી છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ એનડીઆરએફની એક ટીમ ફાળવવામાં આવી છે.
વડોદરાથી 7 ટીમ રવાના: સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વડોદરાથી 7 ટીમ રવાના થઈ છે અને જુદા જુદા જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના આદેશ મુજબ કામગીરી કરશે. NDRFની ટીમ બોટ સહિતની સામગ્રી સાથે જે તે જિલ્લામાં આવે છે અને વાવાઝોડા વખતે લોકોને બચાવવાની કામગીરી કરે છે. NDRF ટીમમાં કુલ 25 જવાનો હોય છે. આ જવાનો તમામ પ્રકારની તાલીમથી સજજ હોય છે. ગમે તેવા જોખમો ખેડી અને લોકોના જીવ બચાવવાની કામગીરી સારી રીતે કરી જાણે છે. જોકે જે તે જિલ્લાની ફાયર ટીમ તેમજ અન્ય ટીમો પણ ખડે પગે જોવા મળી રહી છે.
પવનની ગતિમાં સતત વધારો: અરબી સમુદ્રમાં જે પ્રકારે ડિપ્રેશન સર્જાયું છે અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે અસર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર તેમજ ભાવનગરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો સાથે સાથે પવનની ગતિમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.