જામનગર: તાલુકાના મોટી ખાવડી ગામે કાચા મકાનો અને દરિયાકિનારાની નજીક રહેતા 250 જેટલા લોકોને આશ્રયસ્થાન પર સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ 8542 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોટી ખાવડી ગામે આવેલ માધ્યમિક શાળાને આશ્રય સ્થાન તરીકે જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા 250 જેટલા અસરગ્રસ્તોને 3 દિવસથી શાળામાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.
ગ્રામપંચાયત દ્વારા તમામ સુવિધા: મોટી ખાવડીના તલાટીમંત્રી ભારદ્વાજસિંહ વાઘેલા જણાવે છે કે સરકારની સૂચના અનુસાર ગ્રામપંચાયત દ્વારા આશ્રિતોને રહેવાની, સવારનો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન, આરોગ્યની, સુવાની તેમજ પ્રાથમિક તમામ જરૂરીયાતો પૂરી પાડવામાં આવી રહી છે. 250 જેટલા લોકોને ત્રણ દિવસથી ગ્રામપંચાયત દ્વારા જમવાનું આપવામાં આવી રહ્યું છે. ગામના 5 જેટલા બહેનો સેવાકીય કામ કરી જમવાનું બનાવી આપે છે. આશ્રય સ્થાનમાં હાલ તમામ લોકો સુરક્ષિત છે.
શાળાઓ આશરો: આશ્રયસ્થાનમાં આશરો મેળવનાર દિનેશભાઈ રાઠોડ જણાવે છે કે વાવાઝોડાના ખતરાને લઈને અમને માધ્યમિક શાળામાં લઈ આવવામાં આવ્યા છે. અહી ગ્રામ પંચાયત દ્વારા અમારી ખૂબ સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે. સવારે ચા-નાસ્તો, બપોરે અને સાંજે સારું ભોજન, પીવાનું શુદ્ધ પાણી, સુવાની, આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. તે બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું.
સરકારનો માન્યો આભાર: સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા હંસાબેન જણાવે છે કે અમને ભોજન, પાણી, રહેવાની ખૂબ સારી સુવિધા મળી છે. અમારા નાના બાળકોને નાસ્તો આપવામાં આવે છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સગર્ભાઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. બાળકોનું આરોગ્ય તપાસવામાં આવે છે. વાવાઝોડાના ખતરાને લઈને સરપંચ દ્વારા અમારા ઘરે આવીને ત્રણ દિવસ પહેલા અમને સમજાવવામાં આવ્યા હતા અને આશ્રય સ્થાનમાં આવી જવા જણાવ્યું હતું.