જામનગરઃ શહેર જિલ્લા કોંગ્રેસ તથા NSUI દ્વારા શુક્રવારના રોજ મહાત્મા ગાંધીજયંતી તથા પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી નિમિતે જામનગર કોંગ્રેસ દ્વારા કિશાન-મજૂર બચાવ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ અંર્તગત ખેડૂતોના સમર્થનમાં તથા શૈક્ષણિક ફી માફીની માંગણી સાથે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજી અને ટાઉનહોલ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કોંગ્રેસ આગેવાને ભાજપ સરકારની ભષ્ટ્રાચારી નિતિ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો અને આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેના વિરુદ્ધમાં રેલી યોજી અને કિશાન મજૂર દિવસ તરીકે ઉજવી અને સંપૂર્ણ પણે 100 ટકા શૈક્ષણિક ફી માફ કરવાની માગ ઉઠાવી તથા પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને રાહુલ ગાંધી સાથે ઉત્તર પ્રદેશમાં જે અપમાન કરવામાં આવ્યું તેનો વિરોધ કરી અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.
માસ્ક તેમજ હેલ્મેટના કાળા કાયદા હેઠળ જે લૂંટ કરવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કરણદેવસિંહ જાડેજા દ્વારા અપીલ કરી કે, સરકારે જ્યારે ડિજિટલ મનીનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે, તો જનતા પણ હવે પછી જ્યારે પણ માસ્ક / હેલ્મેટ / સીટ બેલ્ટનો દંડ સ્થળ પર જ પોલીસને ક્રેડિટ/ડેબીટ કાર્ડ અથવા ઓનલાઇન જ આપે જો કોઇ અધિકારી રોકડો દંડ ભરવા માટે મજબૂર કરે તો તેના વિરુદ્ધ જનતા કોર્ટેમાં ફરીયાદ કરવી.
આ તકે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા અલ્તાફ ખફી, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતી કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, મહામંત્રી(સંગઠન ), કે. પી. બથવાર, કોર્પોરેટર જેનબ ખફી, યુવક કોંગ્રેસ પ્રમુખ ડૉ. તોસીફખાન પઠાણ તથા NSUIના મહિપાલસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.