- પોલીસે કોંગ્રેસ કાર્યકર્તા સાથે કર્યું ગેરવર્તન
- બેરોજગારીનો પ્રશ્ન સરકાર સમક્ષ લાવવા કાર્યક્રમ યોજાયો
- સમગ્ર ગુજરાતમાં "બેરોજગાર અઠવાડીયું"નામનો કાર્યક્રમ લોન્ચ
જામનગરઃ હાલ સમગ્ર ભારતમાં બેરોજગારીનો વ્યાપ ખુબ જ મોટાપાયે વધી રહ્યો છે અને તેમાં પણ શિક્ષિત બેરોજગારો પણ ખુબ જ મોટી સંખ્યામાં ગુજરાત અને ભારતમાં વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા મોટા ભાગના સરકારી ખાતાઓમાં જગ્યા ખાલી હોવા છતાં પણ ભરતી કરવામાં આવતી નથી. જેને લીધે બેરોજગારીનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ બેરોજગારીથી ભારતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે માટે યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન સરકાર સમક્ષ લાવવા ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં " બેરોજગાર અઠવાડીયું " નામનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે.
સિટી બી ડિવિઝન ખાતે કોગ્રેંસ કાર્યકરતા
જેના અંતર્ગત જામનગર યુવક કોંગ્રેસ દ્વારા આજરોજ શહેર કોંગ્રેસ કાર્યાલય ટાઉનહોલ ખાતે શિક્ષિત બેરોજગારોને પોતાની માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે ટાઉનહોલ પાસેથી પદયાત્રા કરવામાં આવેલ હતી અને આ માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટ ફક્ત કચરો જ છે. તેવો અહેસાસ યુવાનોને થાય છે. તે બહેરી સરકારના કાન સુધી પહોંચાડવા શિક્ષિત બેરોજગારો દ્વારા પોતાની માર્કશીટ/ડીગ્રી સર્ટિફિકેટની ઝેરોક્ષને કચરાપેટીમાં નાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ડૉ. તૌસીફખાન પઠાણ- પ્રમુખ યુવક કોંગ્રેસ જામનગર, શક્તિસિંહ જેઠવા - પ્રધાન યુવક કોંગ્રેસ ગુજરાત અને મહિપાલસિંહ જાડેજા પ્રમુખ NSUI જામનગરની આગેવાનીમાં યોજાયો હતો.
ધારાસભ્ય વિક્રમ માડમ પોલીસ સ્ટેશન દોડી આવ્યા
જામનગર યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર અઠવાડીયું કાર્યક્રમ અંતર્ગત શહેરના ટાઉનહોલ ખાતે શિક્ષિત બેરોજગારોને સાથે રાખી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની ઝેરોક્ષ સાથે પદ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના 40 જેટલા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાને પગમાં ઇજા પહોંચી હતી અને એક પોલીસ કર્મીએ શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે બોલાચાલી કરી ગેરશબ્દો બોલ્યા હતા. ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ સાથે પોલીસ કર્મીએ વર્તન કર્યું હોવાનું આક્ષેપ કર્યા હતા.
ગેરવર્તન કરવા બદલ પોલીસ કર્મીએ પોતાની ભૂલ સ્વીકારી
આક્ષેપ સમયે સિટી બી ડિવિઝન ખાતે ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર મામલાને થાળે પાડવા માટે કોંગ્રેસ સિનિયર ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે ગેરવર્તન કરનારા પોલીસ કર્મી પોતાની ભૂલ સ્વીકારે તેવી માગ સાથે પોલીસ સ્ટેશન ખાતે ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા અને અડધી કલાકમાં પોલીસ કર્મી પોતાની ભૂલ સ્વીકારે એવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને જો માગ સ્વીકારવામાં નહિ આવે તો ધારાસભ્ય વિક્રમ માડમ અન્નજળનો ત્યાગ કરશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તે દરમિયાન પૂર્વ વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે ગેરવર્તન કરવા બદલ પોલીસ કર્મીએ પોતાની ભૂલ સ્વીકારતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.