જામનગર: ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ. 1000 કરોડની રકમના ચેક વિતરણનો ઓનલાઈન સમારોહ યોજાયો હતો. જેમાં જામનગર ખાતે ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે જિલ્લાની મહાનગરપાલિકાને રૂ.34 કરોડ અને જામજોધપુર, ધ્રોલ, સિક્કા અને કાલાવડ દરેક નગરપાલિકાઓને રૂ. 1,12,50,000ના ચેકનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા મહેસૂલ સેવા સદન જામનગર ખાતે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમૂર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષ જોશી, કમિશનર સતિષ પટેલ, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હીંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યપ્રધાને રાજ્યના તમામ શહેરોમાં પાયાની સવલતોના સુદ્રઢ વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા રસ્તા-પાણી, ભૂગર્ભ ગટર, સલામતી, સફાઇ સહિતની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસ કામો હાથ ધરવા જણાવ્યું હતુ. નાણાં વગર કોઈ કામ અટકશે નહી. આ બાબતે સરકાર કોઇપણ જાતની કચાશ રાખશે નહીં એમ પણ જણાવ્યું હતું. વિકાસની સાથે પર્યાવરણ જાળવણીને પણ પ્રાધાન્ય અપાશે તેમ જણાવી વિકાસ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખવા મુખ્યપ્રધાને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં બનેલ દુઃખદ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જિલ્લા મહેસૂલ સેવાસદન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યપ્રધાનના સંકલ્પને સાકાર કરવા સંવેદના સાથે છેવાડાના માનવીનું હિત સચવાય તેવી રીતે વિકાસ કામોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ વિકાસકાર્યો માટેના આ આયોજન બદલ મુખ્યપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતાં.