જામનગર: અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. ત્યારે જામનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નાગરિકોને તકેદારીના સૂચનો કરવામાં કલેક્ટર રવિશંકરે જણાવ્યું કે, નિસર્ગ વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલની વાવાઝોડાની ઝડપને ધ્યાનમાં રાખતા દક્ષિણ ગુજરાતના થોડા ધણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
બે દિવસ પહેલા જિલ્લા વહિવટી તંત્ર પાસે જે રિપોર્ટ આવ્યા છે, તે પ્રમાણે દરિયામાં જામનગરની એક પણ માછીમારીની બોટ નથી. જામનગર જિલ્લાનો કોઇ પણ માછીમાર હાલ દરિયામાં માછીમારી કરવા ન જાય તેવી સૂચના પણ આપવામાં આવી છે. કારણ કે, વાવાઝોડાના કારણે દરિયાના મોજા વધારે ઉછળે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કલેક્ટર રવિશંકરે કરી છે.
જિલ્લા વહિવટી તંત્ર પાસે આવેલા છેલ્લા બુલેટીન નં. 16 પ્રમાણે જામનગર જિલ્લામાં થોડો ધણો વરસાદ આવી શકે છે. જેથી સાવચેતીના ભાગરૂપે ખેડૂત મિત્રોને તેમની કોઈ જણસ ખુલ્લામાં પડેલી હોય તો, આ પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની પણ સૂચના આપવામાં આવી છે.