જામનગર : ગુજરાતમાં માથાભારે તત્વો અને માફિયાગીરી કરતા લોકો પર અંકુશ રાખવા પોલીસ અને વહીવટી તંત્ર સતત કડક કાર્યવાહી કરે છે. જામનગરના બેડીમાં જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારી જમીન પર ઉભી કરવામાં આવેલી એક મિલકત પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રનો એક્શન મોડ : જામનગરમાં જાહેર સ્થળો પર નડતરરૂપ અને ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે જામનગરના બેડીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ વિભાગને સાથે રાખી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર કુખ્યાત ગુનેગાર રજાક સાયચાના બંગલાને તોડી પાડવામાં આવ્યો છે. ગુજરાતભરના વિવિધ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ કરનાર આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે.
કુખ્યાત ગુનેગારનો બંગલો તોડી પાડ્યો : પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર રજાક સાયચા અને તેના પરિવાર વિરુદ્ધ જામનગર જિલ્લામાં હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, સંપતિ પચાવી પાડવા, મારામારી, ધમકી અને જુગાર-પ્રોહિબિશન સહિતના 50 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. કુખ્યાત ગુનેગાર રજાક સાયચાએ સરકારી જગ્યા પર કબજો કરી ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું.
માથાભારે તત્વોની ખેર નથી : જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ કાફલાને સાથે રાખી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જામનગર એસપીની દેખરેખ હેઠળ આ કડક કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દબાણ હટાવ ઝુંબેશ માટે જાણીતા છે. અગાઉ અમદાવાદ શહેરમાં પણ અસામાજિક તત્વો અને ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.