કોંગ્રેસના ઉમેદવાર મુળુ કંડોરીયાએ જામનગર સીટી પર એક વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો છે. આ વીડિયોમાં જામનગરની ઝાંખી દેખાડવામાં આવી છે, તેમજ જામનગર રાજવી સમયથી જાહોજલાલી ભોગવતું શહેર હતું તેવું બતાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં બતાવાયું છે કે, શહેરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગ હતા. જામનગરની પ્રખ્યાત બાંધણી તેમજ વિવિધ ઐતિહાસિક સ્મારકોની ઝાંખી બતાવવામાં આવી છે.
સાંસદ પૂનમ માડમે બેટ દ્વારકામાં બનાવેલા ઐતિહાસિક પુલનો વીડિયો મુક્યો છે. આ વીડિયોમાં દ્વારકાથી બેટ દ્વારકા સુધીમાં યાત્રાળુઓને પહોંચવા માટે ખૂબ ઓછા સમયમાં ભગવાન દ્વારકાધીશના દર્શન થાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. તેમણે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રચાર શરૂ કર્યો છે. જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના આઈટી સેલ સક્રિય બન્યા છે. બંને ઉમેદવારો પૂરજોશમાં હાલ પ્રચાર કરી રહ્યા છે, કારણ કે મોટાભાગનો યુવા વર્ગ હાલ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો છે અને આ યુવાનોને ટાર્ગેટ કરીને બંને ઉમેદવારોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. હવે જોવાનું એ રહ્યું કે, બંને ઉમેદવારમાંથી કોણ બાજી મારી જાય છે.