જામનગર: શહેરના ઢીંચડા રોડ પરથી એક શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ પિસ્તોલ મધ્યપ્રદેશના શખ્સ પાસેથી લીધી હોવાનું તપાસમાં ખુલતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
![ગેરકયદેસર પિસ્તોલ અને કાર્ટીસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-03-pistol-7202728-mansukh_27062020190332_2706f_1593264812_456.jpg)
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચનાથી એલસીબીના પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ કે.કે. ગોહિલ અને પીએસઆઈ આર.બી. ગોજીયા શહેરમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ઢીંચડા રોડ, તિરુપતિ-2માં રહેતા રિઝવાનખાન ઈસરારખાન પઠાણ નામના શખ્સની તેના મકાનમાં તપાસ હાથ ધરતા 1 નંગ ગેરકાયદેસર પિસ્તોલ જેની કિંમત 50,000 રૂપિયા છે તથા એક જીવતા કારતૂસ સાથે ઝડપી લઈ 50,100 રૂપિયાનો મુદામાલ કબજે કરી સીટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરોક્ત પિસ્તોલ આરોપીએ અબ્દુલભાઈ (રહે. કુકડીખાપા, તા. પીપળીયા, જી. છીંદવાડા, મધ્યપ્રદેશ) નામના શખ્સ પાસેથી લીધી હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.