આ અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, આગામી એક કલાકમાં જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. જેને લઈને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરી છે. હાલ વાયુનું સંકટ ટળ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. જો કે, વાયુ વાવાઝોડાનું સંકટ હજુ ટળ્યું નથી, પણ ખતરો બરકરાર જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે. જો કે, જામનગરના દરિયામાં હાલ ખૂબ મોટા મોજા ઉઠી રહ્યાં છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તો પવનની ગતિ પણ સતત વધતી જોવા મળી રહી છે.
જામનગર જિલ્લા કલેક્ટર અને અન્ન પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ વહેલી સવારે બંદર પર પહોંચ્યા હતા અને સમીક્ષા કરી હતી. વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે 14 હજાર જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો ફુડ પેકેટના સપ્લાય પણ સમયસર કરવામાં આવી રહ્યાં છે.
સાંસદ પૂનમ માડમ અને અન્ન પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સતત વાવાઝોડાના ખતરાને લઈને સમીક્ષા બેઠક પણ કરી રહ્યાં છે. જામનગરમાં હાલ હૈદરાબાદથી આવેલી બે NDRFની ટીમ પણ ખડેપગે છે. સાથે જ પોલીસના જવાનોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
SOGની ટીમ દ્વારા જામનગરના નવા બંદર, રોજી બંદર અને બેડી બંદર ખાતે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ દરિયા કિનારે જતા લોકોને અટકાવવામાં આવી રહ્યાં છે. હાલ જામનગરના બેડી બંદર ખાતે દરિયામાં ભારે મોજા ઉઠી રહ્યાં છે અને દરિયો ગાંડોતુર બન્યો છે.