જામનગરઃ જિલ્લા જેલ ખાતે રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે 100 જેટલા આયુર્વેદ ઔષધીના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા જેલ ખાતે વૃક્ષોના ઉછેરની જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે તેમ કહી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાલક્ષી કાર્યક્રમો યોજાય છે.
જેમાં રવિવારે જિલ્લા જેલ ખાતે 100 જેટલા આયુર્વેદ ઔષધિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદ ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષો જેવા કે ગળો, બોરસલી, કરંજ વગેરે વૃક્ષો દ્વારા નિર્મિત થયેલા આ ભાગને સંજીવની ગાર્ડન નામ આપવામાં આવ્યું છે. વૃક્ષોએ પૃથ્વીનો અતિઆવશ્યક અંશ છે, વૃક્ષો થકી વાતાવરણ શુધ્ધ રહે છે અને વૃક્ષો જ માનવીને આવશ્યક પ્રાણવાયુના દાતા છે, ત્યારે વૃક્ષોનું રોપણ અને તેનો સારો ઉછેર મનુષ્યને પ્રકૃતિની સમીપ લઇ જાય છે.
આ કાર્યક્રમમાં વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી, જિલ્લા જેલના ઈન્ચાર્જ અધિક્ષક પી. એચ. જાડેજા, જેલર જે.આર.સિસોદિયા, સુબેદાર નિરૂભા ઝાલા, ભીખાભાઈ સોચા અને હવાલદાર ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તથા વૃક્ષારોપણના સેવાકાર્યમાં જેલના કેદીઓ પણ સહભાગી બન્યા હતા.