- જામનગ કલેક્ટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને સખી વન સ્ટોપ સેન્ટરની સમીક્ષા બેઠક યોજાઈ
- ઘરેલુ હિંસા રોકવા સખી વન સ્ટોપ સેન્ટરની બેઠક યોજાઇ
- કલેક્ટર દ્વારા કેસનું નિયમિત ફોલોઅપ લેવાની સુચના આપવામાં આવી
જામનગરઃ જિલ્લામાં કોઈ પણ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને પોલીસ, મેડીકલ, કાનૂની, ટૂંકાગાળાનો આશ્રય અને કાઉન્સિલિંગની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દરેક જિલ્લામાં એક “સખી વન સ્ટોપ સેન્ટર” શરૂ કરવામાં આવેલું છે, જે 24 કલાક કાર્યરત છે. જામનગરમાં રામેશ્વરનગર મેઇન રોડ, પટેલ કોલોની, મેન્ટલ ક્વાટર ખાતે જૂન-2019 થી સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે.
પુનઃસ્થાપન કરેલા કેસની પણ સમીક્ષા કરવામાં આવી
સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીની સમીક્ષા માટે કલેક્ટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સેન્ટર પર આવતા વિવિધ કેસની સમીક્ષા કરવામાં આવી હતી. જાન્યુઆરી-2020થી નવેમ્બર-2020 સુધી સેન્ટર પર 187 કેસ આવેલા, જેમાં 137 ઘરેલું હિંસાના કેસનો સમાવેશ થાય છે. જે પૈકી મોટા ભાગના કેસનું સેન્ટર દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું. કોરોના સમયગાળામાં લોકડાઉનમાં જામનગરમાં ફસાએલી મહિલાઓને તેમના પરિવારમાં પુનઃસ્થાપન કરેલા કેસની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ત્રણ મહિલાઓને ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં અને 2 મહિલાઓને અન્ય રાજ્યમાં પોલીસની મદદથી તેમના પરિવારમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
કેસનું નિયમિત ફોલોઅપ લેવાની સુચના કલેક્ટર દ્વારા આપવામાં આવી
પોલીસ સ્ટેશન ખાતે ઘરેલું હિંસા અને જાતીય અપરાધોમાં પણ કાઉન્સેલિંગ અને અન્ય મદદ મળી રહે તે હેતુથી દરેક પોલીસ સ્ટેશન ખાતે સખી વન સ્ટોપ સેન્ટરની જાહેરાતના પોસ્ટર લગાડવા કલેકટર દ્વારા સુચન કરવામાં આવેલા અને પોક્સો ગુના સંબધિત કેસને વધુ સંવેદનશીલતાથી લેવા અને કેન્દ્રમાંથી જતા કેસનું નિયમિત ફોલોઅપ લેવાની સુચના કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. તદ ઉપરાંત વન સ્ટોપ સેન્ટરના નવા મકાનના બાંધકામની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા માર્ગ અને મકાન વિભાગને સુચના આપવામાં આવી હતી.
કેટલા પ્રતિનિધિઓ રહ્યા હતા ઉપસ્થિત
સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.વિપિન ગર્ગ, DYSP ચાવડા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ પી. એચ. સૂચક, મહિલા અને બાળ અધિકારી સી. ડી. ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી એચ. બી. ટાઢાણી, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કટારમલ, વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ તથા બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.