ગીર સોમનાથ: અનૈતિક સંબંધોનો કેવો કરુણ અંજામ આવી શકે છે. તેનો જીવંત દાખલો ઉના તાલુકાના સનખડા ગામમાં સામે આવ્યો છે. ગત 12 તારીખે સનખડા ગામના દોલુભા ઝાલા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં આરોપમાં આજે સોમનાથ પોલીસે મૃતક દોલુભા ઝાલાના સગા બે ભાઈ અને ફરિયાદી જિજ્ઞા ઝાલાના એક ભાઈની સાથે અન્ય બે વ્યક્તિઓ મળીને કુલ પાંચ આરોપીની અટકાયત કરી છે. ખુબ જ ચર્ચાસ્પદ બનેલા દોલુભા ઝાલા હત્યા કેસમાં પોલીસે આજે ખુલાસો કર્યો છે.
દિયર-ભાભી વચ્ચે હતો સંબંધ: મૃતક દોલુભા ઝાલા અને ફરિયાદી જિજ્ઞા ઝાલા બંને સબંધમાં દિયર ભાભી તરીકે હતા. બંને વચ્ચે પાછલા ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ બંધાયો હતો. જેનો દોલુભા ઝાલાની હત્યા સાથે કરુણ અંજામ આવ્યો છે. બંને પરિણીત હોવાની સાથે દિયર ભાભી હતા. તેમ છતાં 20 દિવસ પૂર્વે બંને સનખડા ગામમાંથી પલાયન થઈ ગયા હતા.
યુવકની હત્યા: દોલુભા ઝાલા અને જીજ્ઞા ઝાલા એક સાથે પલાયન થઈને જુનાગઢ નજીક કોઈ વિસ્તારમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા. જે ગત 12 તારીખે ફરી સનખડા ગામ નજીક આસપાસમાં જોવા મળતા. જેની મૃતક દોલુભા ઝાલાના ભાઈઓ અને ફરિયાદી જિજ્ઞા ઝાલાના ભાઈને ખબર પડતા પાંચ લોકો સાથે મળીને ખૂબ જ નિર્દયતા પૂર્વક દોલુભા ઝાલા પર તૂટી પડ્યા હતા. જેમાં તેનુ મોત થયું છે.
પાંચ આરોપીની અટકાયત: વિભાગીય પોલીસ અધિક્ષક વી આર ખેંગારે આ કેસમાં માહિતી આપતા જણાવ્યું હતું કે 12 તારીખની રાત્રે દોલુભા ઝાલા નામના યુવક પર ખૂબ જ નિર્દયતાપૂર્વક હુમલો થયો હતો. જેમાં તેનું મોત થતા તેની સાથે મૈત્રી કરારથી જોડાયેલી તેમની ભાભી જીજ્ઞા ઝાલાની ફરિયાદને આધારે પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે. તે મૃતક દોલુભા ઝાલા અને ફરિયાદી જીગ્ના ઝાલાના ભાઈ અને પરિવારના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલામાં પોલીસે પાંચ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.