ગીર સોમનાથ : સોમનાથ પોલીસે અનોખા ઠગબાજને પકડી પાડ્યો છે. વેરાવળ નજીકના ડારી ગામ પાસેથી પોલીસે અમર હાજી જીકાણીને પકડી પાડીને અનોખી રીતે તેના દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના 59 ગુનાઓ ઉકેલ્યા છે. કોડીનાર પોલીસ મથકમાં દાખલ થયેલ પોલીસ ફરિયાદના પગલે પોલીસે તપાસ કરતા અમર હાજી જીકાણી ઝડપાઈ ગયો હતો.
ભેજાબાજ આરોપી : પોલીસ પકડમાં રહેલો અમર હાજી જીકાણી લોકો પાસેથી પથ્થર, સિમેન્ટ, લોખંડ, ઘેટા-બકરા અને ભેંસ સહિત બાઈક અને કાર જેવા વાહનોની ખરીદી કરતો હતો. જે બદલ જે તે વ્યક્તિને ચેક આપીને છેતરપિંડી કરી રહ્યો હતો. કેટલાક લોકોએ ચેક ના સ્વીકારવાની વાત પણ કરી હતી. પરંતુ સાતિર અમર હાજી જીકાણી પોતે અધિકારી છે અને તેની પાસે આટલી રોકડ સ્થળ પર ન હોય તેમ જણાવી ચીજ વસ્તુની ખરીદી માટે બેંકનો ચેક આપીને ખરીદી કરતો હતો.
ફરિયાદના આધારે પોલીસે આરોપીને વેરાવળના ડારી નજીકથી પકડી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ 59 જેટલા લોકો પાસેથી વિવિધ ચીજવસ્તુઓ ખરીદીને તેનું ચેકના રૂપમાં ચુકવણું કર્યું હતું. જેની રકમ રુપિયા 52 લાખની આસપાસ થવા જાય છે. -- જીતેન્દ્ર અગ્રવાલ (ASP ઉના)
ચેક બાઉન્સ થતા થયો પર્દાફાશ : કોડીનારના એક ફરિયાદી પાસેથી અમર હાજી જીકાણીએ બાઈકની ખરીદી હતી. તેના બદલામાં તેને બાઈકની રકમનો ચેક લખી આપ્યો હતો. ત્યારબાદ બાઈક વેચનાર વ્યક્તિએ ચેકને બેંકમાં જમા કરાવતા જે તે ખાતામાં રોકડ નહીં હોવાથી ચેક બાઉન્સ થયો હતો. જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે ફરિયાદીએ પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
59 ગુનાનો ભેદ ઉકેલાયો : સહાયક પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલે સમગ્ર મામલાની વિગતો માધ્યમને આપી છે. જેમાં કોડીનારના ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે આરોપીને વેરાવળના ડારી નજીકથી પકડી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ 59 જેટલા લોકો પાસેથી વિવિધ ચીજવસ્તુઓ ખરીદીને તેનું ચેકના રૂપમાં ચુકવણું કર્યું હતું. જેની રકમ રુપિયા 52 લાખની આસપાસ થવા જાય છે.