ગીર સોમનાથ: દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો. પરંતુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામના લોકો પીવાના પાણીની મુશ્કેલીમાંથી મુક્ત થતા જોવા મળતા નથી. પાછલા પાંચ દસકા કરતા વધુ સમયથી કોટડા ગામના 2500 કરતા પણ લોકો પીવાના પાણી માટે બહારથી આવતા પાણીના ટેન્કર પર આજે પણ નિર્ભર બનતા જોવા મળે છે. સરકારની અનેક જાહેરાતો અને યોજના ગામ સુધી પહોંચી ગઈ છે તેવું સરકાર કહી રહી છે. પરંતુ પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત આજે આઝાદીના 75 વર્ષ પછી પણ કોટડા ગામમાં જોવા મળતી નથી. ગામ લોકો આજે પણ વેચાતું પીવાનું પાણી લઈને મેળવી રહ્યા છે.
સરકારના ખોટા દાવાઓ: કોડીનાર તાલુકાનું કોટડા ગામ દરિયાઈ વિસ્તાર ધરાવે છે. જેથી અહીંના ભૂગર્ભ જળ દરિયાઈ પાણીથી ભરેલા છે. તે ભૂગર્ભ જળ કોઈ પણ પ્રકારના ઉપયોગમાં લેવાતું નથી જેને કારણે લોકો પીવાનું પાણી વહેંચાતું લેવા માટે મજબૂર બની રહ્યા છે. વેલણ ગામમાંથી પ્રતિદિન ચાલીસ હજાર લીટર કરતાં વધુ પાણી ટેન્કર મારફતે વેચવા માટે ખાનગી લોકો આવી રહ્યા છે. ગામની મહિલાઓ 10 કે 20 રૂપિયામાં ચાર હેલ જેટલું પીવાનું મીઠું પાણી ખરીદી રહી છે. કોટડા ગામમાં સરકારની મોટાભાગની યોજનાઓ પહોંચી ચૂકી છે તેવા અનેક દાવાઓ પાણી પુરવઠા વિભાગ અને સરકાર દ્વારા કરાઈ છે. પરંતુ હજુ સુધી પીવાના પાણીની સમસ્યાનુ કોઈ નિરાકરણ આવતું જોવા મળતું નથી.
ખાનગી ટેન્કર ચાલકો કરે છે વ્યવસ્થા: વેલણ ગામમાંથી ખાનગી ટેન્કર ચાલકો ગામની જરૂરિયાત મુજબ દિવસમાં ત્રણથી ચાર વખત ટેન્કર મારફતે પાણી પહોંચી રહ્યા છે. વેલણ ગામમાં સરકારની તમામ યોજનાઓ અમલમાં છે. નર્મદાની પાઇપ લાઇન મારફતે પણ ગામ લોકોને પૂરતા પ્રમાણમાં અને એવા શબ્દોમાં કહીએ તો જ્યારે ઈચ્છા થાય ત્યારે પાણી મળી રહે છે. પરંતુ વેલણ ગામથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલું કોટડા ગામ પાછલા પાંચ દસકાથી પીવાના પાણીને લઈને તો વલખા મારી રહ્યું છે.
સરકારી અધિકારીએ શું કહ્યું: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ ઈજનેર પાતાલે પાણીની તંગીને લઈને માધ્યમોને વિગતો આપી છે. તેમણે કહ્યું છે કે વેલણ માધવડ અને કોટડા જૂથ ગ્રામ પંચાયત છે. જેથી અમે પાણીનો પૂરતો જથ્થો જુથ પંચાયત સુધી પહોંચાડીએ છીએ. પરંતુ ત્યાંથી પ્રત્યેક લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટેની તમામ વ્યવસ્થા જૂથ પંચાયત દ્વારા કરવાની હોય છે. જેમાં કોઈ ક્ષતિ કે ઉણપ રહી જતી હશે. જેને કારણે કોટડા ગામમાં પીવાનું પાણી આજે પણ પહોંચતું નથી.