ગીર સોમનાથઃ સોમનાથ મહાદેવના દર્શને આવેલા ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સોમનાથ માટે પોતાના જીવનું બલિદાન આપનારા હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલને પણ પુષ્પાંજલિ આપી અને સોમનાથ દર્શને ગયા હતા, પરંતુ તેમના દિવસના તમામ કાર્યક્રમોની અંદર સોશિયલ ડિસ્ટન્સ પ્રત્યે ગંભીર બેદરકારી જોવા મળી હતી.
જો કદાચ આ જ રીતે કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું હોત તો તેના પર પોલીસ અને તંત્ર નિયમોનો મારો ચલાવતું હોત, પરંતુ અહિંયા તંત્ર અને પોલીસ અત્યારે રાજકીય નેતાઓ સામે લાચાર જોવા મળ્યા હતા.
નવા પ્રમુખને જોઈને પક્ષના કાર્યકરો અને અગ્રણીઓ એટલા ઉત્સાહમાં આવ્યાં હતા કે, તેઓએ પોલીસ, ટ્રસ્ટ સિક્યુરિટી કે સરકાર દ્વારા જાહેર કરાયેલા સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઇન ભૂલી બેઠા હતા. ત્યારે અમદાવાદ, સુરત જેવા સેન્ટરોમાંથી આવેલા નેતાઓ અને કાર્યકરો કોરોના વિસ્ફોટ કરે તો કોઈ નવાઈ નહી અને તેઓના સોશિયલ ડિસ્ટન્સના ભંગને નરી આંખે જોનારા પોલીસ પણ સત્તા પક્ષના નેતાને કઈ રીતે દંડે તે પણ પોલીસના મનમાં સવાલ ચોક્કસ હશે.