- હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ આમરણ અનશન પર બેઠા હતા
- ગૌ હત્યા અને ગૌ તસ્કરીના આરોપીઓને કડક સજાની માગ સાથે બેઠા હતા અનશન પર
- સરકારના પ્રતિનિધિઓએ રાજય સરકારમાં યોગ્ય રજૂઆત કરશે તેવી ખાત્રી આપતા અનશન ઉપવાસનો આવ્યો અંત
ગીર સોમનાથઃ વેરાવળમાં ગૌ હત્યા અને ગૌ તસ્કરીના આરોપીઓને ગુજસીટોક કાયદા હેઠળ કડક સજા કરાવવાની માગ સાથે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ છેલ્લા 12 દિવસથી આમરણ અનશન પર બેઠા હતા. જિલ્લાના વેરાવળમાં રીંગરોડ પર હનુમાન મંદિરના પરીસરમાં છેલ્લા 12 દિવસથી અનશન પર બેસેલા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ જતીનબાપુની માંગણી સંદર્ભે બુધવારે સાંસદ રાજેશ ચુડાસમા, ભાજપના પ્રદેશમંત્રી ઝવેરી ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસીંગ પરમાર ઉપવાસ છાવણીની મુલાકાતે ગયા હતા.
આ પણ વાંચોઃ વેરાવળમાં ગૌવંશ તસ્કરી-ઘરફોડના 2 ગુનેગારોને 4 જિલ્લામાંથી તડીપાર કરાયા
14 મુદાઓની આગામી સમયમાં રાજય સરકારને રજૂઆત કરવાની ખાત્રી આપી
જયાં હિન્દુ સંગઠનની માંગણી સંદર્ભે સમર્થન રૂપી 14 મુદાઓની આગામી સમયમાં રાજય સરકારને રજૂઆત કરવાની ખાત્રી આપી હતી. જેથી આ સમયે હાજર હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રધુવીરસીંહ જાડેજા સહિતનાની હાજરીમાં ભાજપના નેતાઓએ ઉપવાસી જતીનબાપુને જ્યૂસ પીવડાવીને આમરણ અનશનનો સુખદ અંત કરાવ્યો હતો. ત્યારબાદ હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ હનુમાન મંદિરેથી ટાવરચોકમાં એકત્ર થઈને સંવિધાનના રચિયતા ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર કર્યા હતા.