ગીર સોમનાથઃ મકરસંક્રાંતિ પર્વે મોટાભાગના શહેરો અને ગામડાઓમાં પતંગો ચગાવવા ને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળે છે. જો કે ગાયકવાડી શહેર તરીકે ઓળખાતા કોડીનાર શહેરમાં મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી. તેની પાછળનું મહત્વનું કારણ પ્રકૃતિનું રક્ષણ છે. કોડીનારમાં મકરસંક્રાંતિની ઉજવણી ધાર્મિક કાર્યો, દાન-પુણ્ય અને પ્રકૃતિનું રક્ષણ કરીને કરવામાં આવે છે. આજના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે તેને ધ્યાને રાખીને કોડીનાર શહેરના લોકો પતંગ ચગાવતા નથી.
ભાદરવામાં પતંગ ઉડાવાય છેઃ કોડીનાર શહેરમાં ભાદરવા મહિનામાં પતંગ ઉડતી જોવા મળે છે. આ મહિનામાં પતંગ ઉડાડવાનું મુખ્ય કારણ એ છે કે આકાશમાં આ સમયે પક્ષીઓની હાજરી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. આ મહિનામાં પાકની સીઝન પૂરી જવાને લીધે વિદેશી પક્ષીઓ આકાશમાં બહુ જોવા મળતા નથી. તેથી ભાદરવામાં કોડીનારમાં પતંગ ઉડાવવામાં આવે છે. વર્ષોથી કોડીનારમાં ભાદરવામાં પતંગ રસિકો પતંગ ચગાવવાની મજા માણે છે.
કોડીનાર ગાયકવાડ શાસન હેઠળ આવતું હતું. ગાયકવાડ રાજા પ્રકૃતિ અને પક્ષી પ્રેમી હતા. કોડીનારવાસીઓ પણ ધર્મ અને પર્યાવરણ પ્રેમી છે. અહીં ઉત્તરાયણના મહિનાઓમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે. તેમને નુકસાન ન પહોંચે તે હેતુથી ઉત્તરાયણ પર્વે પતંગ ઉડાડવામાં આવતા નથી. કોડીનારમાં મકરસંક્રાંતિની ઉજવણી ધાર્મિક કાર્યો, દાન-પુણ્ય અને પ્રકૃતિનું રક્ષણ કરીને કરવામાં આવે છે...કલ્યાણી ઉપાધ્યાય(સ્થાનિક, કોડીનાર)
કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં ઉત્તરાયણમાં પવનની દિશા અવળી હોય છે તેથી આ પંથકના લોકો ભાદરવા મહિનામાં પતંગ ઉડાડે છે. પ્રકૃતિ પ્રેમીઓને પરિણામે વિદેશી પક્ષીઓની સુરક્ષા સંદર્ભે લોકોમાં ખૂબ અવેરનેસ આવી છે. પક્ષીઓ ઘાયલ થવાને લીધે લોકો હવે ભાદરવામાં પણ ઓછા પતંગો ઉડાડે છે...જીગ્નેશ ગોહિલ(સભ્ય, પ્રકૃતિ નેચર કલબ)